કાલોલમાં દારૂના વેપલા પર પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી અઢી લાખ ઉપરાંત નો વિદેશી દારૂ જપ્ત.

તારીખ ૧૩/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. કાલોલ બોરૂ રોડ પર આવેલી ઇનોક્સ કંપની પાસેના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર નામનો શખ્સ ઇનોક્સ કંપની પાસેના પોતાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.આર. મોહનીઆ અને તેમની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૧૫ નાની-મોટી બોટલો મળી આવી હતી. આ જથ્થાની કુલ કિંમત ₹૨,૫૪,૫૬૦/- આંકવામાં આવી છે.આ મામલે પોલીસે આરોપી અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ-૨૦૧૬ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








