MORBI:મોરબીમાં પર્યાવરણ સુરક્ષાની મોટી સિદ્ધિ: ₹૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટરમાં કરાયું ચેર (મેન્ગૃવ)નું વાવેતર




MORBI:મોરબીમાં પર્યાવરણ સુરક્ષાની મોટી સિદ્ધિ: ₹૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટરમાં કરાયું ચેર (મેન્ગૃવ)નું વાવેતર

મેન્ગૃવ સંરક્ષણ થકી મોરબીના દરિયાકાંઠાનું પ્રકૃતિ સુરક્ષા કવચ મજબૂત બન્યું: ‘MISHTI’ અને ‘CAMPA’ યોજના હેઠળ રૂ. ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરાયુ
વાવાઝોડા, સુનામી અને દરિયાઈ મોજાં સામે કુદરતી દીવાલ સમાન મેન્ગૃવ જંગલોનો વિસ્તાર વધારી પર્યાવરણના જતનને બેવડો વેગ આપતી સરકાર

દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેરના સઘન વાવેતર થકી ગ્રીન કવર વધારવા વન વિભાગનું ભગીરથ અને સફળ આયોજન
વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન એ વર્તમાન સમયની પ્રમુખ જરૂરિયાત છે. ગુજરાત સરકાર હંમેશાથી રાજ્યના સુદીર્ઘ દરિયાકાંઠાને સુરક્ષિત કરવા અને જૈવ-વિવિધતાના સંવર્ધન માટે કટિબદ્ધ રહી છે. આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અભિગમ હેઠળ, દરિયાઈ મોજાં, વિનાશક વાવાઝોડા અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સામે એક અડીખમ અને કુદરતી દીવાલ (ગ્રીન વોલ) તરીકે કામ કરતા મેન્ગૃવ (ચેર) ના જંગલોનું જતન કરવું અત્યંત અનિવાર્ય છે. મોરબી જિલ્લાના દરિયાઈ પટ્ટા પર ઇકોસિસ્ટમને મજબૂત કરવાના આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સથવારે ‘MISHTI’ અને ‘CAMPA’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ સાકાર થઈ રહી છે, જે પર્યાવરણ પ્રણાલીને સુધારવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે(ભા.વ.સે.) જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબીમાં વન વિભાગ દ્વારા મેન્ગૃવ સંરક્ષણ ક્ષેત્રે અનન્ય પ્રગતિ હાંસલ કરતા એક વર્ષના ટૂંકા ગાળામાં કુલ ૧૫૦૦ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ચેરનું આયોજનબદ્ધ વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વનીકરણ પ્રક્રિયા પાછળ સરકારશ્રી દ્વારા કુલ રૂ. ૫,૨૯,૦૩,૮૮૨/- નો નાણાકીય ખર્ચ કરીને પ્રકૃતિ સંરક્ષણ માટે મહત્વની કામગીરી કરાઈ છે.

‘MISHTI’ અને ‘CAMPA’ યોજના વિશે માહિતી આપતા નવલખી ચેર રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તૃપ્તિ જોશી ના જણાવ્યુ હતું કે દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વિકાસ અને સ્થાનિકોની આવક વધારવાના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘MISHTI’ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income) યોજના હેઠળ મોરબીમાં ૫૦૦ હેક્ટર વિસ્તારમાં સફળતાપૂર્વક ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ગ્રીન પ્રોજેક્ટ કુલ રૂ. ૧,૫૨,૦૦,૦૦૦/- ની નાણાકીય જોગવાઈઓનો સદ્દઉપયોગ કરીને દરિયાઈ પટ્ટીને સુરક્ષિત અને સંરક્ષિત કરાઈ છે.
પર્યાવરણીય સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘CAMPA’ યોજના હેઠળ મોરબીમાં ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં હરિયાળી ચાદર સમાન ચેરનું વાવેતર કરાયું છે. આ વ્યાપક પર્યાવરણીય પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. ૩, ૭૭,૦૩,૮૮૨/- નો નાણાકીય ખર્ચ કરીને દરિયાઈ ક્ષરણ અટકાવવાની મજબૂત કામગીરી થઈ છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયું છે કે ચેરના મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે અને તેના ગીચ જંગલો દરિયાઈ તોફાનોની ગતિ ધીમી પાડીને કિનારાના માનવ વસાહતોનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, આ જંગલો કાર્બન સિંક તરીકે કામ કરીને વાતાવરણને શુદ્ધ રાખે છે તથા દરિયાઈ જીવો જેવા કે માછલી અને કરચલા માટે ઉત્તમ પ્રજનન કેન્દ્ર પૂરું પાડે છે, જેનાથી સ્થાનિક માછીમારોની આજીવિકા પણ સમૃદ્ધ બને છે. વન વિભાગના ભગીરથ પ્રયાસોથી મોરબીમાં થયેલું આ ૧૫૦૦ હેક્ટરનું મેન્ગૃવ વાવેતર આગામી પેઢીઓ માટે પ્રકૃતિ સુરક્ષાનું અભેદ્ય કવચ સાબિત થશે. સરકારશ્રીનો આ હકારાત્મક પ્રકલ્પ સાચા અર્થમાં ‘મેન્ગૃવ સંરક્ષણ થકી પ્રકૃતિ સંરક્ષણ’ ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યો છે.




