MALIYA (Miyana):માળિયા મિયાણાના વવાણીયા ગામે નાણાંની લેતી-દેતીમાં દંપતી પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો: ૫ સામે ગુનો દાખલ




MALIYA (Miyana):માળિયા મિયાણાના વવાણીયા ગામે નાણાંની લેતી-દેતીમાં દંપતી પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો: ૫ સામે ગુનો દાખલ
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી-દેતી મામલે ભારે હોબાળો મચી ગયો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમતા કૌટુંબિક શખ્સોએ એક દંપતી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ માળિયા મિયાણા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, વવાણીયા ગામે રહેતા છગનભાઈ દેવાભાઈ મકવાણા (ઉં.વ. ૩૫) એ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, તેમના જ ભાયુ કુટુંબના સભ્યો સાથે રૂપિયાની લેતી-દેતી બાબતે વિવાદ ચાલતો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઇ મકવાણાએ સૌપ્રથમ છગનભાઈ સાથે ગાળાગાળી કરી, ઝપાઝપી કરી હતી અને “ટાંટિયા ભાંગી નાખીશ” તેવી ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.દંપતી પર લાકડાના ધોકાથી હુમલો આ પ્રાથમિક ઝઘડા બાદ મામલો વધુ બિચક્યો હતો. પ્રવિણ ઉર્ફે ચકો અન્ય શખ્સોને સાથે રાખીને પરત આવ્યો હતો. જેમાં:૧. પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઇ મકવાણા ,૨. શીવાભાઇ સુરેશભાઇ મકવાણા,૩. નથુભાઇ સુરેશભાઇ મકવાણા
૪. સુરેશભાઇ મકવાણા ,૫. મનજી ઉર્ફે ટીલીયો મકવાણા (તમામ રહે. વવાણીયા ગામ, તા. માળિયા-મી.)
આ તમામ આરોપીઓએ એકસંપ થઈને છગનભાઈ અને તેમની પત્નીને બેફામ ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડાના ધોકા વડે છગનભાઈ પર તૂટી પડી શરીરે આડેધડ માર માર્યો હતો, તેમજ તેમની પત્નીને પણ મુંઢ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ દંપતીને જાનથી મારી નાખવાની અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
આ હુમલા અંગે ભોગ બનનાર છગનભાઈ મકવાણાની ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી, તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.



