MALIYA (Miyana:માળિયા નજીકથી ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા ૪૫ જીવોને ગૌરક્ષકો અને પોલીસે બચાવ્યા

MALIYA (Miyana:માળિયા નજીકથી ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા ૪૫ જીવોને ગૌરક્ષકો અને પોલીસે બચાવ્યા
માળિયા/મોરબી:તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૬, શનિવારના રોજ વહેલી સવારે માળિયા નજીક ગૌરક્ષક ટુકડીઓ અને સ્થાનિક પોલીસના સંયુક્ત સહયોગથી એક મોટું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. કતલખાને ધકેલાતા ૪૫ જેટલા મૂંગા જીવોને ક્રૂરતામાંથી મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, કચ્છ તરફથી માળિયા અને હળવદ થઈને અમદાવાદ તરફ એક ટાટા બોલેરો પીકઅપ ગાડી (નંબર: GJ 01 LT 5369) માં મોટા પ્રમાણમાં જીવોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મોરબી, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષકોને મળી હતી. બાતમીના આધારે ગૌરક્ષક ટીમોએ માળિયા નજીક વોચ ગોઠવી હતી.
બાતમી વાળી ગાડી આવતા જ તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. ગાડીમાં ડબલ ડેકર (ઉપર-નીચે માળ) બનાવીને ચાલી ન શકે તે રીતે ક્રૂરતાપૂર્વક ૪૫ જેટલા જીવોને બાંધવામાં આવ્યા હતા. વાહનમાં કોઈ પણ જાતની પાસ-પરમિટ કે ઘાસ-પાણીની સુવિધા નહોતી. ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આ જીવોને કચ્છના અંજાર તરફથી ભરીને અમદાવાદ કતલ અર્થે લઈ જવાઈ રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
આ અંગે તુરંત જ માળિયા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી તથા વાહનને ઝડપી લીધા હતા. તમામ ૪૫ જીવોને મુક્ત કરાવી માળિયા તાલુકાના ખાખરેચી પિંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન માળિયા પોલીસ અધિકારીઓ અને પોલીસ પ્રશાસન તરફથી ઉત્કૃષ્ટ સહયોગ સાંપડ્યો હતો.
આ સફળ કામગીરીમાં મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક અને લીંબડી ગૌરક્ષક ટીમ અને સાથીદારો જોડાયા હતા.










