MALIYA (Miyana:માળિયા(મી) પોલીસનો ફિલ્મી ઢબે પીછો: ૩૦૦ લીટર દેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે મોરબીના બે બુટલેગર ઝડપાયા




MALIYA (Miyana:માળિયા(મી) પોલીસનો ફિલ્મી ઢબે પીછો: ૩૦૦ લીટર દેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે મોરબીના બે બુટલેગર ઝડપાયા

પોલીસે કાર અને દારૂ સહિત રૂ. ૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રાયસંગપરના પાટિયા પાસે વોચ ગોઠવીને કારને આંતરી લેવાઈ
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે માળિયા(મી) પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે રાયસંગપર ગામના પાટિયા નજીક હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરીને દેશી દારૂના મોટા જથ્થા સાથે એક ક્રેટા કાર ઝડપી પાડી છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. ૫,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગતો મુજબ, માળિયા(મી) પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ તરફથી એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-AL-7377) માં દેશી દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસ ટીમે તાત્કાલિક એક્શનમાં આવી રાયસંગપર ગામના પાટિયા પાસે હાઈવે પર વોચ ગોઠવી દીધી હતી.
વોચ દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈને કારચાલકે ઊભી રાખવાને બદલે વાહન પૂરઝડપે ભગાડી મૂક્યું હતું. આથી પોલીસે સમયસૂચકતા વાપરી સરકારી વાહન વડે આ શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને અંતે તેને આંતરીને રોકી લીધી હતી.
પોલીસે કારને અટકાવી તેની સઘન તલાશી લેતા અંદરથી ૩૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૬૦,૦૦૦/-) મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે ઘટનાસ્થળેથી જ બે આરોપીઓની અટકાયત કરી છે: નાસીર અનવરભાઈ માલાણી (ઉંમર વર્ષ ૨૨, કાર ચાલક) ફરદીન સિદ્દીકભાઈ મોવર (ઉંમર વર્ષ ૨૧) આ બંને આરોપીઓ મોરબીના કાંતીનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.માળિયા(મી) પોલીસે રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો દેશી દારૂ અને ગુનામાં વપરાયેલી ક્રેટા કાર સહિત કુલ રૂ. ૫,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની વિધિવત ધરપકડ કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.


