MALIYA (Miyana):માળિયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, દર્દીઓ હેરાન-પરેશાન

MALIYA (Miyana):માળિયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, દર્દીઓ હેરાન-પરેશાન
મોરબી જિલ્લાના માળિયા મિયાણા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) હાલ પોતે જ ‘બીમાર’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલમાં સ્ટાફની ભારે અછતને કારણે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે કથળી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ તેમના સ્વજનોને યોગ્ય સારવાર ન મળતી હોવાની અને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
૪૬માંથી ૧૯ જગ્યાઓ ખાલી: તંત્રની ઘોર ઉદાસીનતા
હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થયેલ સત્તાવાર પત્રકની વિગતો મુજબ, અહીં સ્ટાફની અછતની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.કુલ મંજૂર મહેકમ: ૪૬ જગ્યાઓ
કાર્યરત સ્ટાફ: ૨૭ જગ્યાઓ ખાલી પડેલી જગ્યાઓ: ૧૯ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી આ ૧૯ જગ્યાઓને કારણે હોસ્પિટલનું વહીવટી અને તબીબી માળખું ખોરવાઈ ગયું છે.મોટા અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ ગેરહાજર
આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-૧ ની ૫ મંજૂર જગ્યાઓ સામે માત્ર ૨ જ જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૩ જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત, હોસ્પિટલના મુખ્ય ગણાતા એવા અધિક્ષક વર્ગ-૧, દંત સર્જન અને તબીબી અધિકારી (Medical Officer) જેવી મહત્વની જગ્યાઓ પણ ખાલી હોવાથી દર્દીઓને નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળી રહ્યો નથી.
તબીબો ઉપરાંત, હોસ્પિટલની કરોડરજ્જુ ગણાતા હેડ નર્સ અને સ્ટાફ નર્સની જગ્યાઓ પણ ખાલી છે, જેના કારણે વોર્ડમાં દાખલ દર્દીઓની દેખરેખ અને સમયસર સારવાર કરવામાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
સ્વચ્છતા અને સંચાલન પર માઠી અસર માત્ર તબીબી જ નહીં, પરંતુ ચોથા વર્ગના સ્ટાફની પણ અહીં ભારે તંગી છે. હોસ્પિટલમાં ડ્રાઈવર, વોર્ડ સર્વન્ટ, વોર્ડ આયા અને સ્વીપર (સફાઈ કામદાર) જેવી પાયાની જગ્યાઓ ખાલી હોવાના કારણે હોસ્પિટલના સંચાલન અને ખાસ કરીને સ્વચ્છતા પર સીધી માઠી અસર પડી રહી છે.
સ્ટાફના અભાવે હોસ્પિટલના કોરિડોરમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સારવાર મેળવવા કે દવા લેવા માટે દર્દીઓએ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અશક્ત દર્દીઓ અને વૃદ્ધો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે ભરતી કરવા માંગ
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા નવી ભરતી કરવા કે ડેપ્યુટેશન પર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અંગે કોઈ ગંભીરતા દાખવવામાં ન આવતી હોવાનો સુર સ્થાનિક લોકોમાં ઉઠ્યો છે. માળિયા મિયાણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સરકાર અને ઉચ્ચ આરોગ્ય સત્તાધીશો સમક્ષ માંગ કરી છે કે, આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે જેથી ગરીબ દર્દીઓને સમયસર, સસ્તી અને યોગ્ય સારવાર મળી રહે.










