MALIYA (Miyana) માળિયા (મિ) હરીપર ગામની સીમમાં ઓપરેટરની જૂની અદાવતમાં કારખાનેદાર પિતા-પુત્ર પર હિંસક હુમલો







MALIYA (Miyana) માળિયા (મિ) હરીપર ગામની સીમમાં ઓપરેટરની જૂની અદાવતમાં કારખાનેદાર પિતા-પુત્ર પર હિંસક હુમલો


માળિયા મિયાણા તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા મીઠાના કારખાનામાં મશીન ઓપરેટર રાખવા જેવી નજીવી બાબતમાં મોટો ડખો સર્જાયો છે. કારખાનામાં કામ કરવા ગયેલા ઓપરેટરની જૂની અદાવત મનમાં રાખીને એક શખ્સે પોતાના અજાણ્યા સાથીદાર સાથે મળીને ૭૨ વર્ષના વૃદ્ધ મીઠાના વેપારી અને તેમના પુત્ર પર લાકડી તથા ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, હરીપર ગામે રહેતા અને મીઠાનો વ્યવસાય કરતા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક (ઉં.વ. ૭૨) નામના વૃદ્ધે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટી (રહે. માળિયા) અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ફતેમહમદના કારખાનામાં કામ કરતો મશીન ઓપરેટર ગનીભાઈના મીઠાના કારખાનામાં મશીન ચલાવવા માટે જતો રહ્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ હિંસક પગલું ભર્યું હતું.
ઓપરેટર પોતાના કારખાનામાં કેમ ગયો તે મુદ્દે આરોપી ફતેમહમદે વૃદ્ધ ગનીભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. મામલો બિચકતા આરોપીએ ઉશ્કેરાઈને ગનીભાઈના માથાના ડાબી બાજુના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેમને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન ગનીભાઈનો દીકરો અસરફ તેમને બચાવવા વચ્ચે પડતાં અજાણ્યા આરોપીએ તેને પણ લાકડી વડે આડેધડ ઢોર માર મારી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.
આ લોહિયાળ હુમલા બાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધ કારખાનેદારની ફરિયાદના આધારે માળિયા મીયાણા પોલીસે આરોપી ફતેમહમદ ભટ્ટી અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



