MORBI:મોરબી SOG એક્શન મોડમાં: ત્રાજપર ચોકડી પાસે રેઈડ કરીને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો







MORBI:મોરબી SOG એક્શન મોડમાં: ત્રાજપર ચોકડી પાસે રેઈડ કરીને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો


ગુજરાતમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમને એક મોટી સફળતા મળી છે. મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રેઈડ કરીને એક ઈસમને લાખો રૂપિયાની કિંમતના પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનનો રહેવાસી ડાલુલાલ ગોયલ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો મોટો જથ્થો પોતાની પાસે રાખીને ત્રાજપર ચોકડી પાસે આવેલા મેલડી માતાના મંદિર નજીક વેચવાની પેરવીમાં ઉભો છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને નાસી છૂટવાનો પ્રયાસ કરતા ડાલુલાલ ગોયલને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે ઝડપાયેલા આરોપીની તલાશી લેતા તેની પાસેથી લાખો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:મેફેડ્રોન પાવડર (MD ડ્રગ્સ)૪૯.૩૮૦ ગ્રામ₹ ૧,૪૮,૧૪૦/-મોબાઈલ ફોન૧ નંગ₹ ૫,૦૦૦/-કુલ મુદ્દામાલ-₹ ૧,૫૩,૧૪૦/-આ મામલે એસ.ઓ.જી. ટીમે આરોપી ડાલુલાલ ગોયલ વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ-૮ (સી), ૨૧ (બી) અને ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે અને આરોપીને આગળની ઘનિષ્ઠ પૂછપરછ તથા કાયદાકીય કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને મોરબીમાં કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



