MORBI:મોરબીના સિરામિક ઉદ્યોગને બેઠો કરવા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મેદાને: ગેસના ભાવ ઘટાડવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત




MORBI:મોરબીના સિરામિક ઉદ્યોગને બેઠો કરવા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મેદાને: ગેસના ભાવ ઘટાડવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

વૈશ્વિક મંદી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગની વહારે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા આવ્યા છે. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તાકીદે ઘટાડો કરવા મજબૂત ભલામણ કરી છે.

રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા નેચરલ ગેસના વર્તમાન ભાવોમાં રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રો-મટીરિયલ્સ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સિરામિક પ્રોડક્ટ્સની માંગમાં મોટો ઘટાડો નોંધાતા હાલ ઉદ્યોગકારો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
પત્રમાં એ વાતનો પણ સકારાત્મક ઉલ્લેખ કરાયો છે કે, યુદ્ધ શાંત થયા બાદ પ્રભાવિત દેશોમાં પુનઃનિર્માણના કાર્યો શરૂ થશે, જેના કારણે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સિરામિક પ્રોડક્ટ્સની માંગમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ, એ સમય સુધી ઉદ્યોગ ટકી રહે તે માટે હાલના તબક્કે સરકાર તરફથી ઇંધણ (ગેસ)ના ભાવમાં મહત્તમ રાહત આપવી ખૂબ જ જરૂરી છે.”મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. વર્તમાન કટોકટીના સમયે જો ગેસના ભાવ ઘટાડીને ઉદ્યોગને ઓક્સિજન પૂરો પાડવામાં આવે, તો ભવિષ્યમાં આ ઉદ્યોગ વૈશ્વિક બજાર પર ફરીથી મજબૂત પકડ મેળવી શકશે.”હવે જોવાનું એ રહેશે કે મોરબીના આર્થિક કરોડરજ્જુ સમાન સિરામિક ઉદ્યોગને મંદીના માહોલમાંથી બહાર લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકાર ગેસના ભાવોમાં કેટલી રાહત આપે છે.


