MORBI:મોરબી મચ્છુ-૩ ડેમ ૮૦ ટકા ભરાયો; ૨૧ ગામોને એલર્ટ જાહેર, નદીપટમાં ન જવાની અપીલ

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમ ૮૦ ટકા ભરાયો; ૨૧ ગામોને એલર્ટ જાહેર, નદીપટમાં ન જવાની અપીલ
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં પાણીની આવક સતત ચાલુ રહેતા રૂલ લેવલ મુજબ સંગ્રહ ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા રાત્રે ૧૦:૦૦ વાગ્યે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સત્તાવાર એલર્ટ મોકલી દેવામાં આવ્યું છે.
ડેમની વર્તમાન સ્થિતિ:જળસપાટી: ૨૬.૦૪ મીટર કુલ જળજથ્થો: ૪.૩૪૦ MCM
ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે જરૂરિયાત મુજબ ગમે ત્યારે વધારાનું પાણી મચ્છુ નદીના વહેણમાં છોડવામાં આવી શકે છે. જેથી નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ ૨૧ ગામોને એલર્ટ કરાયા:વહીવટી તંત્ર દ્વારા મોરબી અને માળિયા (મી.) તાલુકાના નીચે મુજબના ૨૧ ગામોના લોકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે:
મોરબી તાલુકો: ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા.
માળિયા (મી.) તાલુકો: કેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર.
૧. નદીના પટમાં અવરજવર ન કરવી: નદીમાં ગમે ત્યારે પાણી છોડાવાની શક્યતા હોય, નદી કિનારે જવાનું ટાળવું.
૨. માલ-ઢોરની સુરક્ષા: ઢોર-ઢાંખર અને કિંમતી માલ-મિલકતને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા.
૩. સૂચનાઓનું પાલન: સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપાતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.







