MORBI ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી મોરબી 181 અભયમ ટીમ







MORBI ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી મોરબી 181 અભયમ ટીમ


મોરબી: મોરબી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીના કારણે ભૂલા પડી ગયેલા એક વયોવૃદ્ધ મહિલાનું સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ, 181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વયોવૃદ્ધ મહિલા લાંબા સમયથી એકલા ભટકી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેવી સ્થિતિમાં છે. મહિલાની મદદ માટે તાત્કાલિક ટીમ મોકલવાની વિનંતી કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તથા પાયલોટ રબારી વીરમભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સૌપ્રથમ વૃદ્ધ મહિલાને આશ્વાસન આપી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. મહિલાનું રહેઠાણ અને પરિવાર અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વધુ ઉંમરના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા નહોતા.ત્યારબાદ ટીમ દ્વારા સતત પ્રયાસો હાથ ધરતાં અંતે મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. બાદમાં વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.
કાઉન્સેલિંગ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે મહિલાની વધુ ઉંમરના કારણે તેઓ વારંવાર વસ્તુઓ ભૂલી જતા હોય છે અને ક્યારેક અચાનક ઘરેથી નીકળી જતા હોય છે. પરિવારજનોએ સવારથી તેમની શોધખોળ શરૂ કરી હતી અને ચિંતિત સ્થિતિમાં હતા.
181 અભયમ ટીમ દ્વારા પરિવારને વૃદ્ધ મહિલાની યોગ્ય કાળજી રાખવા તેમજ વિશેષ ધ્યાન આપવા સમજાવવામાં આવ્યું હતું. વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ પરિવારજનોએ 181 અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.



