
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશરેમ ભોયેએ પક્ષના પ્રાથમિક સભ્ય પદ તેમજ તાલુકા પ્રમુખ પદેથી પોતાનું રાજીનામું આપ્યુ છે.ઘનશરામ ભોયેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા અંદાજે 30 વર્ષથી પોતાના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા છે. હાલ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમણે ટિકિટ માટે માંગણી કરી હતી. તે દરમિયાન કૉંગ્રેસ પ્રભારી દ્વારા વોટ્સએપ કોલ કરી પોતાના ઘરે બોલાવી મૌખિક રીતે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનુ તેમણે આક્ષેપ કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની માંગણી તેમની નૈતિકતાના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાથી તેમણે પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પક્ષના તાલુકા પ્રમુખ હોવા છતાં તેમને ચૂંટણી પ્રક્રિયામાં અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ, જે તેમના જેવા કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા માટે અપમાનજનક હોવાનું તેમણે જણાવ્યું છે.આ ઉપરાંત, ગત અનેક ચૂંટણીઓમાં પક્ષ વિરુદ્ધ કાર્ય કરનાર વ્યક્તિઓને પ્રાધાન્ય આપીને ટિકિટ ફાળવણી કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેમણે નૈતિકતાના ધોરણે પક્ષના પ્રાથમિક સભ્ય પદ તેમજ વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.ડાંગ જિલ્લા વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ધનશરામ ભોયે દ્વારા કૉંગ્રેસમાંથી અચાનક રાજીનામું આપતા સાકરપાતળ જિલ્લા સીટ સહિત વઘઇ તાલુકામાં કૉંગ્રેસને નુકસાન વેઠવાની નોબત ઉભી થઈ છે..





