MORBI મોરબીમાં ભાજપના વોર્ડ નંબર 9 પેનલ તુટી.? ઉમેદવારનું પ્રચારમાંથી નામ-ફોટો ગુમ!




MORBI મોરબીમાં ભાજપના વોર્ડ નંબર 9 પેનલ તુટી.? ઉમેદવારનું પ્રચારમાંથી નામ-ફોટો ગુમ!

મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે મોરબીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 09માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા સામે સામાજિક સ્તરે વિરોધનો વંટોળ ઊભો થતાં પક્ષની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 09માં ભાજપ માટે સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા સામે સામાજિક વિરોધ તો ચાલી જ રહ્યો હતો, પરંતુ હવે ભાજપના જ કાર્યાલય પર જોવા મળેલા દ્રશ્યોએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, વોર્ડ નંબર 09ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર અગાઉ જ્યારે પ્રચારની શરૂઆત થઈ ત્યારે પેનલના ચારે ચાર ઉમેદવારોના ફોટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ, વિવાદ ઉગ્ર બનતા હવે કાર્યાલય પરથી હિરેન કરોતરાનો ફોટો દૂર કરી દેવામાં આવ્યો છે અને હાલ ત્યાં ફક્ત ત્રણ જ ઉમેદવારોના ફોટા જોવા મળી રહ્યા છે. પોતાના જ પક્ષના કાર્યાલય પરથી ઉમેદવારનો ફોટો હટાવવાની આ ઘટના હાલ આખા મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વિરોધ એટલો તીવ્ર છે કે પક્ષે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પગલું ભરવું પડ્યું છે.ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની એક દીકરીના લગ્ન જીવન અને છૂટાછેડાના મામલે હિરેન કરોતરા પર ગંભીર આક્ષેપો થયા છે. સમાજના આગેવાનો પેમ્પલેટ અને સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લેઆમ ભાજપના આ ઉમેદવારને મત ન આપવા અપીલ કરી રહ્યા છે.માત્ર કાર્યાલય જ નહીં, પરંતુ ડોર-ટુ-ડોર કેમ્પેનમાં પણ ભાજપની પેનલ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને પાટીદાર વિસ્તારોમાં મતદારોની નારાજગી વહોરવી ન પડે તે માટે હિરેન કરોતરાને પ્રચારથી અલિપ્ત રાખવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ચારેય ઉમેદવારોને જીતાડવાનું લક્ષ્ય રાખતી ભાજપ માટે હવે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. એક તરફ પક્ષનો આદેશ છે અને બીજી તરફ સામાજિક રોષ, આ બંને વચ્ચે હવે મતદારો કોની પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.



