MORBI :મોરબીમાં રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે અને હળવદમાં રૂ. ૯.૬ કરોડના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ

MORBI :મોરબીમાં રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે અને હળવદમાં રૂ. ૯.૬ કરોડના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ
“ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ” : શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબીમાં ન્યૂ એરા સ્કૂલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાના રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલ તથા હળવદ તાલુકા કક્ષાના રૂ. ૯.૬ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના “શક્તિદૂત-૨.૦” કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.” રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને આર્થિક સહાય, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક રમતગમતના મેદાનો સહિતની સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબીમાં નિર્માણ પામેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કારણે જિલ્લાના રમતવીરોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સુવિધાઓનો લાભ મેળવી મોરબીના ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વધુ સારો દેખાવ કરી શકશે. મોરબી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે ત્યારે વધુમાં વધુ રમતવીરો આગળ વધે તેવી શુભેચ્છા પણ મંત્રીશ્રીએ પાઠવી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરે અને જીવનમાં આગળ વધે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી છે. જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે સમયાંતરે સંવાદ કરી તેમને આગળ વધવા માટે માર્ગદર્શન આપે તેવી સૂચના પણ તેમણે આપી હતી.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ રમતગમતની પ્રવૃત્તિઓના વિકાસ માટે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની જમીન ફાળવવા બદલ મંત્રીશ્રીએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોરબીના મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”, “ખેલ મહાકુંભ” સહિતના વિવિધ આયોજનના માધ્યમથી રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે અને તેમની પ્રતિભાને યોગ્ય તક મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓના માધ્યમથી મોરબી જિલ્લાના રમતવીરો રમતગમત ક્ષેત્રે ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી તેમણે શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા મથકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી રમતવીરોને તાલીમ અને સ્પર્ધા માટે જિલ્લા બહાર જવું ન પડે.
મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ સુવિધાઓ…
મોરબી જિલ્લા કક્ષાના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતવીરો માટે વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ઇન્ડોર બાસ્કેટબોલ, બોર્ડ ગેમ્સ ઉપરાંત ૨૦૦ મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, હોકી અને આર્ચરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
હળવદ તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આધુનિક સુવિધાઓ…
હળવદ ખાતે નિર્માણ પામેલા તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર સુવિધાઓ ઉપરાંત એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણીશ્રી જયંતિભાઈ રાજકોટિયા, ટ્રસ્ટીશ્રી અતુલભાઈ પાડલિયા, કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનરશ્રી સંગીતાબેન રૈયાણી, પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, રમતગમત અધિકારીશ્રી રવિકુમાર ચૌહાણ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












