MORBI મોરબી બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા ‘આઇ-ખેડૂત ૨.૦’ પોર્ટલ ખુલ્લું મૂકાયું







MORBI મોરબી બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા ‘આઇ-ખેડૂત ૨.૦’ પોર્ટલ ખુલ્લું મૂકાયું


ગુણવત્તાયુક્ત ફળપાક ઉત્પાદન, આદુ-હળદર વાવેતર પ્રોત્સાહન અને બહુસ્તરીય ખેતી પદ્ધતિ માટે આગામી ૧૯ જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી*
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પાકના વૈવિધ્યીકરણ માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત ૨.૦’ પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ વર્ષે ખેડૂતો માટે મુખ્યત્વે (૧) “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ”, (૨) “રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અને (૩) “બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” જેવા મહત્વના ઘટકો માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
બાગાયતદારોએ આ યોજનાઓનો લાભ લેવા માટે સૌપ્રથમ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરવાની રહેશે. નોંધણી બાદ નિયત ફોર્મ ભરી, માગ્યા મુજબના જરૂરી આધાર-પુરાવાઓ અને કાગળો ઓનલાઇન અપલોડ કરીને અરજી ‘કન્ફર્મ’ કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢીને અત્યારે માત્ર પોતાની પાસે જ સુરક્ષિત રાખવાની રહેશે (અરજી સબમિટ કરવા કચેરીએ રૂબરૂ આવવાનું નથી). જ્યારે ઓનલાઇન પૂર્વ-મંજૂરી મળી જાય, ત્યારબાદ જ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરીને જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે જમા કરાવવાના રહેશે તેવું જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.



