MORBI મોરબી બંધ કારખાનાઓને નિશાન બનાવતી ચોર ટોળકીનો એલ.સી.બી.નો પર્દાફાશ : ૪ શખ્સો ઝડપાયા







MORBI મોરબી બંધ કારખાનાઓને નિશાન બનાવતી ચોર ટોળકીનો એલ.સી.બી.નો પર્દાફાશ : ૪ શખ્સો ઝડપાયા


મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી. મોરબીએ મોટી સફળતા મેળવી છે. ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી કુલ ₹૧,૯૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, સાથે વણશોધાયેલ ચોરીનો ગુન્હો પણ શોધી કાઢવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૩૧(૪) હેઠળ નોંધાયેલા ગુનામાં ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં તા.૦૩ માર્ચની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી સી.સી.ટી.વી. એન.વી.આર., ટીવી, કેમેરા તેમજ મોટી માત્રામાં કોપર પ્લેટ અને કોપર કેબલ મળી અંદાજે ₹૨.૦૫ લાખની ચોરી કરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પરથી લીલા રંગની સી.એન.જી. ઓટો રિક્ષા અને સ્પ્લેન્ડર બાઈક સાથે બેઠેલા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ કરતાં ચોરીમાં ગયેલો કોપર વાયર અને કોપર પ્લેટ મળી આવ્યા હતા. આરોપીઓએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી આચર્યાની કબૂલાત આપતા પોલીસએ મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલા વાહનો કબજે કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં શક્તિપરા (વાંકાનેર)ના રમેશભાઈ ઉર્ફે પોયો વાધેલા, ગઢડા (બોટાદ)ના હમીરભાઈ વાધેલા અને અજયભાઈ ઉર્ફે અજીત વાધેલા તેમજ હાલ શક્તિપરા ખાતે રહેતા રણજીતભાઈ ઉર્ફે કદમ માથાસુરીયાનો સમાવેશ થાય છે. જ્યારે ચાર અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં એક સી.એન.જી. ઓટો રિક્ષા, સ્પ્લેન્ડર મોટરસાયકલ, ૩૪ કિલો કોપર વાયર, ૩૪ કિલો કોપર પ્લેટના કટકા અને ચાર મોબાઇલ ફોન મળી કુલ ₹૧,૯૪,૮૦૦નો મુદ્દામાલ સામેલ છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમિયાન ભંગારના વેપારી બની બંધ કારખાનાઓની રેકી કરતા અને રાત્રે સિક્યુરિટી વગરના કારખાનાઓને નિશાન બનાવી કોપર વાયર અને મોંઘી સામગ્રી ચોરી ભંગારના વેપારીઓને વેચી આર્થિક લાભ મેળવતા હતા.મોરબી પોલીસે કારખાનેદારોને અપીલ કરી છે કે કારખાના બંધ રાખતી વખતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખે જેથી મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવી શકાય.આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.




