MORBI:દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી દ્વારા “એક દોર… સૈનિકોના નામ” અભિયાનની ભવ્ય શરૂઆત: સરહદ પર તૈનાત દેશના વીરોને બાંધવામાં આવશે રાખડી

MORBI:દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી દ્વારા “એક દોર… સૈનિકોના નામ” અભિયાનની ભવ્ય શરૂઆત: સરહદ પર તૈનાત દેશના વીરોને બાંધવામાં આવશે રાખડી
પોતાના પરિવાર અને બહેનોથી દૂર રહીને દેશની સીમાઓનું રક્ષણ કરતા વીર જવાનો પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી દ્વારા એક સરાહનીય પહલ કરવામાં આવી છે. શાળા દ્વારા સતત ત્રીજી વખત “એક દોર… સૈનિકોના નામ” અભિયાનનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આગામી 22 અને 23 ઓગસ્ટ 2026 (શનિવાર અને રવિવાર) ના રોજ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ સમગ્ર મોરબી જિલ્લાની બહેનો વતી ‘ભારત-પાકિસ્તાન નડાબેટ બોર્ડર’ પર જઈને દેશના બહાદુર જવાનોના કાંડા પર રાખડી બાંધશે. આ માત્ર એક રક્ષાબંધનનો તહેવાર નથી, પરંતુ મોરબીવાસીઓનો જવાનો પ્રત્યેનો પ્રેમ, આદર અને આભાર વ્યક્ત કરવાનો એક સુંદર પ્રયાસ છે.
આ પવિત્ર અભિયાનમાં સમગ્ર મોરબીની જનતા ભાગીદાર બની શકે તે માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો પર રાખડી સંગ્રહ કેન્દ્રો (Collection Centers) શરૂ કરવામાં આવી રહ્યા છે.સંગ્રહ કેન્દ્રોના મુખ્ય સ્થળો: સ્કાય મોલ, કેપિટલ માર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ તથા શહેરના અન્ય મુખ્ય વિસ્તાર.ઘર-ઘર સંપર્ક: શાળાના ઉત્સાહી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમ મોરબીમાં ઘરે-ઘરે જઈને પણ સૈનિકો માટે રાખડીઓ એકત્રિત કરશે.શાળા પરિવારે મોરબીના તમામ નાગરિકો અને બહેનોને આ અભિયાનમાં જોડાઈને દેશના વીર સૈનિકો માટે રાખડીઓ અર્પણ કરવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.








