MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી







MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી


સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને જરૂરી સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મુખ્ય સચિવશ્રીની તાકીદ

ઉનાળાની સ્થિતિમાં પીવાના પાણીનું આયોજન, જળ સંચય અને માતા-બાળ મૃત્યુદર ઘટાડવા જેવા મહત્વના માપદંડો અંગે અપાયું માર્ગદર્શન
મોરબી જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેન્દ્ર કુમારે આજે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રગતિ હેઠળના વિકાસકામો અને પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત માહિતી મેળવી વહીવટી તંત્રને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રી રાજેન્દ્ર કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનું સચોટ અમલીકરણ કરીને જરૂરિયાતમંદ અને છેવાડાના નાગરિકો સુધી તમામ પ્રાથમિક સુવિધાઓ અને યોજનાકીય લાભો સમયસર પહોંચે તેને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહેશે.
વર્તમાન ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના મુખ્ય ડેમોમાં પાણીની ઉપલબ્ધતા અને સંગ્રહની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અગાઉથી સુદ્રઢ આયોજન કરવા તેમણે સૂચના આપી હતી. આ ઉપરાંત, જળ સંચય અભિયાન અન્વયે ‘સુજલામ્ સુફલામ્ યોજના’ હેઠળ જિલ્લામાં ચાલી રહેલા જળાશયોના ઊંડા ઉતારવાના અને નવીનીકરણના કામોની વિગતો મેળવીને આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જાહેર આરોગ્યના ક્ષેત્રે ખાસ સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, સગર્ભા માતાઓની સંભાળ, સંસ્થાકીય પ્રસુતિ અને બાળ સ્વાસ્થ્યના તમામ પાસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર જેવા મહત્વપૂર્ણ સ્વાસથ્ય માપદંડોમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય અને મોરબી જિલ્લો આરોગ્ય ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરે તે માટે સ્થાનિક સ્તરે સઘન આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ ગોઠવવા તાકીદ કરી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જિલ્લાના વિવિધ વિકાસકામો અને પ્રભારી સચિવશ્રી દ્વારા અપાયેલા લક્ષ્યાંકોની સમયબદ્ધ પૂર્તિ માટે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અને કટિબદ્ધતા દર્શાવી હતી. નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચરે આ બેઠકનું સંચાલન કરતા વિવિધ વિભાગોની જરૂરી વિગતોની છણાવટ કરી હતી.
આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




