GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપાનું ગજબનું ‘પેપર વર્ક’: કાયદેસરની દુકાનો શૂન્ય છતાં તહેવારોમાં બંધ રાખવાના ફરમાન!

MORBI:મોરબી મનપાનું ગજબનું ‘પેપર વર્ક’: કાયદેસરની દુકાનો શૂન્ય છતાં તહેવારોમાં બંધ રાખવાના ફરમાન!

મોરબી મહાનગરપાલિકાના વહીવટમાં ચાલતો એક મોટો વિરોધાભાસ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં એક આરટીઆઈ (RTI) ના જવાબમાં મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી અને તહેવારોમાં તેમના જ દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો છે.

એક તરફ તંત્ર કાગળ પર નોનવેજ અને મચ્છીની દુકાનોની સંખ્યા “શૂન્ય” દર્શાવે છે, તો બીજી તરફ શ્રાવણ માસમાં આ જ દુકાનો બંધ રાખવા ફરમાન બહાર પાડે છે! આ બેવડા વલણ પર હવે નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી RTI માહિતીના જવાબમાં મોરબી મનપાએ સત્તાવાર રીતે નીચે મુજબના જવાબો આપ્યા છે:

મુદ્દા નં ૧ મુજબ: મોરબી શહેર વિસ્તારમાં પશુકતલ માટે લાગુ નિયમો, શરતો અને કાયદાની નકલ આપવામાં આવી છે.

મુદ્દા નં ૨ મુજબ: મોરબી શહેર વિસ્તારમાં મંજૂર કતલખાનાઓની સંખ્યા શૂન્ય છે.

મુદ્દા નં ૩ મુજબ: મોરબી શહેર વિસ્તારમાં લાઇસન્સ ધરાવતી નોનવેજ (માંસ) વેચાણ દુકાનોની સંખ્યા શૂન્ય છે.

મુદ્દા નં ૪ મુજબ: મોરબી શહેર વિસ્તારમાં લાઇસન્સ ધરાવતી માછલી વેચાણ દુકાનોની કુલ સંખ્યા શૂન્ય છે (જેથી માહિતી નીલ છે).

આશ્ચર્યની વાત એ છે કે, જો મનપાના ચોપડે શહેરમાં એક પણ કાયદેસર કતલખાનું કે માંસ-મચ્છીની દુકાન અસ્તિત્વમાં જ નથી, તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે અને જન્માષ્ટમીના પાવન પર્વ પર મનપા દ્વારા “કતલખાનાઓ અને માંસ, મટન, મચ્છી, ચિકનનું વેચાણ બંધ રાખવા” અંગેનું જાહેરનામું કોના માટે બહાર પાડવામાં આવે છે? જે વસ્તુ કાગળ પર “શૂન્ય” છે, તેના પર પ્રતિબંધ મૂકવાનો આ સરકારી ખેલ લોકોની સમજની બહાર છે.

વાસ્તવિકતા અને લોકોના વેધક સવાલો – સમગ્ર મોરબીની જનતા સારી રીતે જાણે છે કે શહેરમાં માંસ અને મચ્છીનું વેચાણ થાય જ છે. ખુદ સરકારી રેકર્ડ પર “મચ્છી પીઠ” જેવો વિસ્તાર પણ નોંધાયેલો છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને સામાન્ય મોરબીવાસીઓને તેમની સાથે કોઈ જ વિરોધ નથી. તો પછી નાગરિકો અને બુદ્ધિજીવીઓ નીચે મુજબના સવાલો પૂછી રહ્યા છે.

૧. મંજૂરી કેમ નહીં?: જ્યારે વર્ષોથી આ વેચાણ ચાલે જ છે અને લોકો આનાથી ગુજરાન ચલાવે છે, તો તંત્ર વાસ્તવિકતા સ્વીકારીને તેઓને કાયદેસરની મંજૂરી કે લાયસન્સ કેમ નથી આપી દેતું?

૨. કાગળ પર “શૂન્ય” રાખવાની જિદ્દ શા માટે?: શું માત્ર કાગળ પર આંકડો શૂન્ય રાખીને તંત્ર પોતાની કામગીરીનો દેખાવ કરવા માંગે છે કે પછી આ “ગેરકાયદેસર” પરિસ્થિતિમાંથી કોઈ અન્ય હિતો સધાઈ રહ્યા છે?

મોરબી મનપાએ આંખ આડા કાન કરવાના બદલે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. જે વ્યવસાય અસ્તિત્વમાં છે તેને યોગ્ય નીતિ-નિયમો હેઠળ લાવીને લાયસન્સ આપવા જોઈએ, જેથી મહાનગરપાલિકાને આવક પણ થાય, વ્યવસાયિકોને કાયદેસરનો દરજ્જો મળે અને તંત્રની કામગીરીમાં પારદર્શિતા આવે.

Back to top button
error: Content is protected !!