MORBI:મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન; કુરિવાજોને તિલાંજલિ આપવા ‘મજબૂત સામાજિક બંધારણ’ જાહેર





MORBI:મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન; કુરિવાજોને તિલાંજલિ આપવા ‘મજબૂત સામાજિક બંધારણ’ જાહેર


મોરબી: વર્તમાન સમયની માંગ અને સમાજની પ્રગતિને ધ્યાને રાખીને મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ખાતે યોજાયેલા આ સંમેલનમાં સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજને નવી દિશા આપતું ‘આદર્શ સામાજિક બંધારણ’ જાહેર કરવામાં આવ્યું છે.
કુરિવાજો પર પ્રહાર અને નવા નિયમો સમાજમાં પરંપરાગત મૂલ્યો જળવાય અને દીકરી વિક્રય જેવા અનિષ્ટો દૂર થાય તે હેતુથી આ બંધારણ ઘડવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મુકાયો છે:

પ્રસંગોનું નિયમન: દીકરીના સગપણથી લઈને મરણ સુધીના તમામ સામાજિક પ્રસંગો માટે ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
દંડની જોગવાઈ: જો કોઈ વ્યક્તિ આ સામાજિક બંધારણના નિયમોનો ભંગ કરશે, તો તેની પાસેથી ₹11,000 થી લઈને ₹1,00,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.
શિક્ષણ પર ભાર: દંડ તરીકે એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના શૈક્ષણિક કાર્યો અને ઉત્થાન માટે કરવામાં આવશે.
સંતોનું ભવ્ય સન્માન આ પ્રસંગે આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વની પદવી મેળવનાર સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું:જગતગુરુ કનીરામદાસજી બાપુનું ભવ્ય સન્માન કરાયું.દુધરેજ ધામના લઘુ મહંતની પદવી મેળવનાર નાગરદાસજી બાપુનું સન્માન કરવામાં આવ્યું.

આ તકે રામબાલકદાસજી બાપુ (દુધઈ ધામ), બંસીદાસજી બાપુ (મેસરીયા), તેમજ ખાનકોટડા અને અદેપર મંમાઈ માતાજીના મઢના ભૂવા આતાઓએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.આ બંધારણને આખરી ઓપ આપવા માટે સમરસ યુવા સંગઠને સખત મહેનત કરી છે. સંગઠનના હોદ્દેદારોએ મોરબી પંથકના ગામે-ગામ અને નેસડાઓ સુધી ફરીને લોકો સાથે બેઠકો કરી હતી. સમાજ સંગઠિત બને અને ખોટા ખર્ચાઓ તેમજ કુરિવાજોમાંથી મુક્ત થઈ પ્રગતિશીલ બને તેવા ઉમદા હેતુ સાથે આ સર્વગ્રાહી બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે.
જેમાં ૧૨ મુખ્ય નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ બંધારણનો હેતુ દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ ઘટાડી મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક રક્ષણ પૂરું પાડવાનો છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરશે, તો સમાજના ધારાધોરણ મુજબ રોકડ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

નવા બંધારણના મુખ્ય ૧૨ મુદ્દાઓ: સગાઈમાં મર્યાદા: દીકરા-દીકરીની સગાઈ વખતે રોકડ રકમ વધુમાં વધુ રૂ. ૩ લાખ અને દાગીનામાં મહત્તમ ૭ તોલા સોનું જ આપી શકાશે. નિયમ ભંગ કરનાર પક્ષે રૂ. ૧-૧ લાખનો દંડ ભરવો પડશે.
જલના પ્રસંગમાં સાદગી: જલ પ્રસંગે વધુમાં વધુ રૂ. ૫૦૦ જ આપવા. અન્ય કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદો કે દાગીના આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
કાપડ અને ભેટ: જલ પછી ત્રણ જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપી શકાશે. વધારાની વસ્તુઓ આપનાર બંને પક્ષે રૂ. ૧૧,૦૦૦નો દંડ રહેશે.
ચુંદડીનો પ્રસંગ: આ પ્રસંગે માત્ર ત્રણ જોડી કપડાં અને સાંકળાની જ છૂટ છે. જો બિનજરૂરી ખર્ચ થશે તો રૂ. ૨૧,૦૦૦ દંડ લેવાશે.
લગ્ન પ્રસંગે જાનની સંખ્યા: દીકરી પક્ષે જાનમાં માત્ર ૭ વ્યક્તિઓએ જ જવું. આસપાસના ગામમાં રહેતા નજીકના સંબંધીઓ સિવાય અન્યને તેડાવવા નહીં. ભંગ કરનારને રૂ. ૧૧,૦૦૦ દંડ થશે.
છાબની ખરીદી: લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ રૂ. ૫૧,૦૦૦ રોકડા આપી દેવા. નિયમ ભંગ બદલ રૂ. ૫૦,૦૦૦નો દંડ નક્કી કરાયો છે.
મામેરું: મોસાળ પક્ષે માત્ર સગા મામા-મામીને જ પહેરામણી કરવી. દેરાણી-જેઠાણીના મામેરા કે વળતર પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
વેવાર પ્રથા પર રોક: માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. આયોજક વેવાર લેશે તો રૂ. ૫૧,૦૦૦ દંડ ભરવો પડશે.
વાસ્તુ પૂજન: વાસ્તુ કે હવન જેવા નાના પ્રસંગોમાં માત્ર સાસરિયા પક્ષનો જ વેવાર લેવો. અન્ય કોઈનો વેવાર સ્વીકારવા પર રૂ. ૧૧,૦૦૦ દંડ છે.
મરણ પ્રસંગે સાદગી : લૌકિક વાર માત્ર ૩ જ રાખવા. પાણીઢોળ પછી લૌકિકે જવું નહીં.
મહિલાઓ માટે નિયમ: મરણ પ્રસંગે મહિલાઓએ ‘કોટ કાણ’ (છાજિયા લેવા) કરવી નહીં, તેના પર સદંતર પ્રતિબંધ છે.

ભોજનમાં સાદગી: મરણ પ્રસંગે દાળમાં બને ત્યાં સુધી સાદું ભોજન જ રાખવાનો આગ્રહ રાખવો અને શ્રાદ્ધ કે પંચમીની વિધિમાં માત્ર નજીકના કુટુંબીઓને જ તેડાવવા.આ બંધારણ સમરસ યુવા સંગઠનની ટીમ દ્વારા ગામેગામ ફરીને, લોકોના સૂચનો મેળવીને અને વડીલો સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. સમાજના દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે જેથી આવનારી પેઢીને આર્થિક રીતે સધ્ધર બનાવી શકાય.



