MORBI:સરકારનો સંવેદનશીલ અભિગમ: ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ થકી મોરબીની દીકરીનું લગ્નજીવન બન્યું સુખમય







MORBI:સરકારનો સંવેદનશીલ અભિગમ: ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ થકી મોરબીની દીકરીનું લગ્નજીવન બન્યું સુખમય


કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાય’ હેઠળ મોરબીની દીકરી દિશાબેનને લગ્ન પ્રસંગે મળી રૂ. ૨.૦૦ લાખની આર્થિક સહાય
માતા પિતા કે બંનેમાંથી કોઈ એકનો સહારો ગુમાવનાર દીકરીઓને માસિક સહાય અને લગ્ન સમયે નાણાકીય સહયોગ પૂરો પાડવાનો સરકારનો સંવેદનશીલ અભિગમ

અનાથ અને નિરાધાર બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. આપત્તિના સમયે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેવા બાળકોના માથે વહાલનો હાથ મૂકીને સરકારે ‘પાલક માતા-પિતા યોજના’ અમલમાં મૂકી છે અને કોરોના કાળ દરમિયાન ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ જેવી કલ્યાણકારી યોજના અમલી બનાવવામાં આવી હતી. આ યોજનાઓની લાભાર્થી દીકરીઓ જ્યારે લગ્ન સમય નવા જીવનના પ્રથમ પગથિયે પગલું માંડે છે, ત્યારે તેમના લગ્ન પ્રસંગે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાય’ હેઠળ રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની માતબર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાની દીકરી દિશાબેન સુરાણીને લગ્ન સમયે આર્થિક ટેકો પૂરો પાડી સરકારે માવતર ની ભૂમિકા ભજવી છે.
મોરબીમાં રહેતા દિશાબેન કિશોરભાઈ સુરાણી જણાવે છે કે, “વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં મેં મારી માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેવા મુશ્કેલ સમયમાં સરકાર સાચો સહારો બનીને અમારી વહારે આવી હતી. ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ સરકાર દ્વારા મને દર મહિને રૂ. ૨,૦૦૦/- ની માસિક આર્થિક સહાય નિયમિત મળતી થઈ, જેનાથી મારું જીવન સરળ બન્યું.”
દિશાબેને હર્ષ સાથે ઉમેર્યું કે, “જ્યારે મારા લગ્ન નિર્ધારિત થયા, ત્યારે દીકરીના કન્યાદાન અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે સરકારના સહયોગથી મને ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાય’ અન્વયે એકસાથે રૂ. ૨ લાખની સહાય રકમ સીધી મારા ખાતામાં મળી હતી. લગ્નના આ મંગલ પ્રસંગે આ રકમ મારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મારી ચિંતા હળવી કરવા બદલ હું હૃદયપૂર્વક સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે સરકારના આ આર્થિક પીઠબળને કારણે મારું લગ્નજીવન ખૂબ જ સુખ અને આનંદથી ચાલી રહ્યું છે.”

કોરોના મહામારી જેવી કપરી આપત્તિમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે સરકાર ખરા અર્થમાં ‘માવતર’ સાબિત થઈ છે. મોરબીની દીકરી દિશાબેનને સમયસર મળેલી માસિક આર્થિક સહાય અને લગ્ન પ્રસંગે મળેલી રૂ. ૨ લાખની સહાય સમાન રકમ એ વાતની સાબિતી છે કે સંવેદનશીલ સરકાર છેવાડાના નાગરિકની પડખે હંમેશા ઊભી છે. કલ્યાણકારી યોજનાઓના આવા સફળ અમલીકરણથી સમાજની વંચિત દીકરીઓ આત્મનિર્ભર બની સન્માનભેર નવું જીવન શરૂ કરી આગળ વધી રહી છે.




