MORBI:મોરબીના ટાઇલ્સના ઉદ્યોગપતિ સાથે ₹૧.૫૪ કરોડથી વધુની સાયબર ફ્રોડ: IPO અને શેરબજારમાં તગડા નફાની લાલચ આપી ઠગાઈ

MORBI:મોરબીના ટાઇલ્સના ઉદ્યોગપતિ સાથે ₹૧.૫૪ કરોડથી વધુની સાયબર ફ્રોડ: IPO અને શેરબજારમાં તગડા નફાની લાલચ આપી ઠગાઈ
મોરબીના રવાપર રોડ પર રહેતા અને ટાઇલ્સનું કારખાનું ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ સાથે શેરબજાર અને IPOમાં રોકાણના નામે રૂ. ૧.૫૪ કરોડથી વધુની સાયબર ઠગાઈ થવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત ઉદ્યોગપતિએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી અનન્યા શ્રીનિવાસન અને અન્ય પાંચ બેંક એકાઉન્ટ ધારકો સામે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, રવાપર રોડ ખાતે રહેતા ઉદ્યોગપતિ વિશાલ ભરતભાઈ મણવરનો માર્ચ ૨૦૨૪માં વોટ્સએપ કોલ દ્વારા અનન્યા શ્રીનિવાસન નામની વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. સાયબર ઠગોએ વિશાલભાઈનો વિશ્વાસ જીતવા માટે તેમને ‘EXSECMAX’ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી અને ’16 Wealth Growth Community’ નામના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેર્યા હતા. ત્યારબાદ IPO ટ્રેડિંગ અને શેરબજારમાં રોકાણ કરીને ટૂંક સમયમાં તગડો નફો મેળવવાની લાલચ આપી હતી.
ઠગબાજોની જાળમાં ફસાયેલા વિશાલભાઈ પાસે જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૫૮,૧૦,૦૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. રોકાણ કર્યા બાદ આરોપીઓ એપ્લિકેશનમાં માત્ર વર્ચ્યુઅલ (કાલ્પનિક) નફો દર્શાવતા હતા.
વિશાલભાઈએ જ્યારે પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને માત્ર રૂ. ૪ લાખ જ પરત મળ્યા હતા, જ્યારે બાકીના રૂ. ૧,૫૪,૧૦,૦૦૦/- અટવાઈ ગયા હતા. રૂપિયા પરત મેળવવા માટે તજવીજ હાથ ધરતાં જ આરોપીઓએ સંપર્ક કાપી નાખ્યો હતો અને વોટ્સએપ ગ્રૂપ પણ સસ્પેન્ડ કરી દીધું હતું.પોતાની સાથે વિરાટ રકમની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં વિશાલભાઈએ સૌપ્રથમ સાયબર ક્રાઈમ પોર્ટલ પર અને ત્યારબાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે અનન્યા શ્રીનિવાસન સહિતના તમામ આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.







