MORBI:મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન




MORBI:મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન

નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલાઓમાં સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસના હેતુથી નવતર પહેલ કરાઈ
ગુલકંદ, કરમદાનો સ્કવોશ-અથાણું અને પપૈયાની ટુટીફૂટી જેવી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોનું બહેનોને અપાયું પ્રાયોગિક માર્ગદર્શન

મોરબી જિલ્લાની મહિલાઓમાં સ્વરોજગારલક્ષી કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે પગભર બને તેવા ઉમદા આશય સાથે મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન અને ફળ-શાકભાજી પરિરક્ષણની આધુનિક પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
તાલીમ દરમિયાન બહેનોને ઘરઆંગણે જ રોજગારી ઊભી કરી શકાય તે માટે ગુલકંદ, કરમદાનો સ્કવોશ, કરમદાનું અથાણું, પપૈયાની ટુટીફૂટી તેમજ લીંબુનું અથાણું જેવી વિવિધ સ્વાદિષ્ટ બનાવટો તૈયાર કરવાની સચોટ તકનીકી અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્પાદનોની લાંબા સમય સુધી ગુણવત્તા જાળવવા, ઉચ્ચ સ્તરની સ્વચ્છતા રાખવા, વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓ અપનાવવા અને બજારની માપદંડ મુજબના આકર્ષક પેકિંગ સાથે વ્યવસાયિક ઉત્પાદન કરવા અંગે પણ તજજ્ઞો દ્વારા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ અવસરે ઉપસ્થિત બહેનોને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફળ-શાકભાજીના પરિરક્ષણ થકી મહિલાઓ લઘુઉદ્યોગ વિકસાવી પોતાના પરિવાર માટે વધારાની આવકનું સર્જન કરે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટે કચેરીના અધિકારીઓ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.



