MORBI:મોરબી પરિણીતાને એસિડ પીવા મજબૂર કરનાર પતિ સહિત ત્રણ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ







MORBI:મોરબી પરિણીતાને એસિડ પીવા મજબૂર કરનાર પતિ સહિત ત્રણ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ


મોરબીના વીસીપરા વિસ્તારમાંથી દહેજ ઉત્પીડનની એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્ન ખર્ચ પેટે પિયરમાંથી રૂ. 5 લાખ લાવવાનું દબાણ કરી, પરિણીતાને ઢોર માર મારી ઓરડામાં પૂરી દેવાતા અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા કંટાળી ગયેલી પરિણીતાએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ચકચારી બનાવ અંગે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ત્રણ સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ હળવદના માળિયા હરી રોડ પર આવેલા મલવાસના વતની અને હાલ મોરબીની વીસીપરા ગુજરાત સોસાયટીમાં સાસરે રહેતા ૨૬ વર્ષીય સોનલબેન વાઘજીભાઇ રાઠોડે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, લગ્નજીવન દરમિયાન તેમના પતિ, સાસુ અને મોટા સસરા અવારનવાર નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ દરમિયાન સાસરિયાઓએ લગ્ન ખર્ચ પેટે પિયરમાંથી રૂ. 5 લાખ મંગાવવા સોનલબેન પર અસહ્ય દબાણ શરૂ કર્યું હતું.
પરિણીતાના પિયરપક્ષે આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવતા સાસરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા. સાસરિયાઓએ પરિણીતાને ઢોર માર માર્યો હતો અને ઓરડામાં પૂરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાસરિયાઓના આ રોજબરોજના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે સોનલબેને બાથરૂમમાં રાખેલું એસિડ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ગંભીર બનાવ અંગે ભોગ બનનાર પરિણીતાએ આરોપીઓ ,ભરતભાઈ બાબુભાઈ ચાવડા (પતિ) ,લિલાબેન બાબુભાઈ ચાવડા (સાસુ) ,પરસોત્તમભાઈ ડાયાભાઈ ચાવડા (મોટા સસરા) વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૧(૨), ૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૪ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



