MORBIMORBI CITY / TALUKO

RAJKOT:બિહાર પોલીસને ૩ વર્ષથી થાપ આપતો ખૂની હુમલાનો આરોપી રાજકોટ રેન્જની ટીમ દ્વારા મેટોડા GIDC માંથી ઝડપાયો

RAJKOT:બિહાર પોલીસને ૩ વર્ષથી થાપ આપતો ખૂની હુમલાનો આરોપી રાજકોટ રેન્જની ટીમ દ્વારા મેટોડા GIDC માંથી ઝડપાયો

 

 

રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાય દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના પગલે, રાજકોટ રેન્જની ટીમને મોટી સફળતા મળી છે. બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના આરા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂની હુમલાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપી હવે પોલીસના શિકંજે ચડી ગયો છે.

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ દ્વારા વોન્ટેડ આરોપીઓ પર વોચ રાખી રહી હતી.

આ દરમિયાન સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઈ આરબ અને અનિરૂધ્ધસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતી કે બિહારનો વોન્ટેડ આરોપી લોકેશન બદલીને રાજકોટના મેટોડા વિસ્તારમાં છુપાયો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી મેટોડા GIDC ગેટ નં. ૨ પાસેથી આરોપીને દબોચી લીધો હતો.

ઝડપાયેલા આરોપીનું નામ વિશાલ બિન્દ (સ/ઓ મુન્ના મિસ્ત્રી બિન્દ) છે, જે બિહારના ભોજપુર જિલ્લાના આરા ટાઉનનો રહેવાસી છે. તેની સામે આરા ટાઉન પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૦૭ (ખૂનનો પ્રયાસ), ૩૨૬ અને ૩૪ મુજબ ગુનો (ગુ.ર.નં. ૫૧૨૪૦૪૪૨૩૧૦૦૨/૨૦૨૩) નોંધાયેલો હતો અને તે છેલ્લા ૩ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.

રાજકોટ રેન્જ ટીમે આરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે મેટોડા GIDC પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ સાથે જ બિહારની આરા ટાઉન પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી તેઓ આરોપીનો કબજો મેળવી શકે.

આ સફળ કામગીરીમાં પી.આઈ. અપૂર્વ પટેલની સાથે પીએસઆઈ મોરી, મીયાત્રા, કાંટેલીયા, એ.એસ.આઈ. કુલદિપસિંહ, વકારભાઈ, રસીકભાઈ તથા કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ અને સાહિલભાઈ જોડાયા હતા. ટેકનિકલ સપોર્ટમાં પીએસઆઈ પી.સી. સરતેજા અને નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ બળદેવસિંહની ભૂમિકા મહત્વની રહી હતી.

Back to top button
error: Content is protected !!