MORBIMORBI CITY / TALUKO

ખાડા નગરી મોરબીના રહેવાસીઓ જાગતા બંધારણીય સુવિધાઓના અભાવે રસ્તા પર ઉતરી આવ્યા, તંત્ર જાગ્યું !!!

મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના લોકોએ આજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે.

 

 

મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે. જેને કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં શ્રી કુંજ- 1, શ્રી કુંજ – 2, અવધ -1, અવધ – 4, સરદાર, ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલ છે. આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યું છે. આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી. આખું મોરબી જ ખાડામાં છે. નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી. ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો આ રોડના પ્રશ્નનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવુ જ નહીં. આ સાથે સ્થાનિકોએ ખાડા બુરો, રોડ બનાવોના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા.

જેને કારણે રોડની બંને બાજુ ભારે ટ્રાફિકજામ સર્જાય ગયો છે. પોલીસ પણ ઘટના સ્થળે છે. સ્થાનિકોએ એવી માંગ કરી છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્ય અહીં આવી અને રોડનું કામ શરૂ નહીં કરાવે ત્યાં સુધી તેઓ હટશે નહીં.
પરિણામે મહાપાલિકાના ઇન્ચાર્જ સિટી ઈજનેર કેવલભાઇ અને પાણી પુરવઠાના અધિકારી પિયુષ મકવાણા સહિતના અધિકારીઓ અહીં આવ્યા હતા. તેઓ સ્થાનિકોને મળ્યા હતા. પણ સ્થાનિકોએ ચોખ્ખા શબ્દોમાં તેમને કહી દીધું હતું કે તમે નહીં, માત્ર મ્યુનિસિપલ કમિશનર જ અહીં આવશે તો અમે વાત કરીશું. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોની ત્યાં આવતા સ્થાનિકોએ તેઓની સાથે જઈ રોડ રસ્તાની ખરાબ હાલત બતાવવાનું શરૂ કર્યું છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિકોએ આજ રોજ સાંજે 5:00 વાગ્યાથી શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે. સ્થાનિકો અહીં રોડ ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનર આવી રોડનું કામ શરૂ નહીં કરાવે, ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં તેવું એલાન આપી દીધું છે. સ્થાનિકો પોતાની માંગને લઈને મક્કમ દેખાય રહ્યા છે તો બીજી તરફ અહીં ત્રણ કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

બનાવની ગંભીરતા ધ્યાને લઈ એ ડિવિઝન અને બી ડિવિઝન પીઆઈ, છ પીએસઆઈ અને 40 થી વધુનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામને કારણે ત્રણ કિમી સુધી વાહનોની લાંબી કતારો જામી છે. તેવામાં અનેક વાહન ચાલકો અહીં ફસાતા અકળાઈ ઉઠ્યા છે. આ દરમિયાન એક બસ ટ્રાફિક જામમાં ફસાઈ છે. જેમાં બાળકો હોય, આ દરમિયાન ચક્કાજામ કરનાર લોકોએ બાળકોને નાસ્તાના પેકેટ આપી માનવતા દેખાડી હતી.

બિજી બાજુ બિસ્માર હાલતને કારણે સ્થાનિકોએ શરૂ કરેલો ચક્કાજામ અંદાજે બે કલાક બાદ હટાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે ત્યાં આવી રોડની હાલત રૂબરૂ જોયા બાદ ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા મામલો થાળે પડ્યો છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ અને આજુબાજુની સોસાયટીની અતિ બિસ્માર હાલતને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે સાંજે 5 કલાકે શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. મામલો થાળે પાડવા ડેપ્યુટી કમિશનર સંજય સોની શનાળા રોડ ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ કન્યા છાત્રાલય રોડ ઉપર સ્થાનિકો સાથે રૂબરૂ રોડની હાલત જોવા ગયા હતા. ત્યારબાદ તેઓએ તુરંત ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા અને ભાજપ અગ્રણી અજય લોરીયાએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડયો હતો. સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો છે. હાલ ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ ટિમો કામે લાગી છે.

Back to top button
error: Content is protected !!