MORBI:મોરબી પત્ની પર શંકા અને પૈસાની બાબતે થયેલા ઝઘડામાં પિતાએ ૧૭ વર્ષની દીકરીનું માથું ફોડ્યું, પોલીસ ફરિયાદ દાખલ







MORBI:મોરબી પત્ની પર શંકા અને પૈસાની બાબતે થયેલા ઝઘડામાં પિતાએ ૧૭ વર્ષની દીકરીનું માથું ફોડ્યું, પોલીસ ફરિયાદ દાખલ


મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કૌટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની પર ખોટા વહેમ, શંકા અને પૈસાની માગણી બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પિતાએ પોતાની જ ૧૭ વર્ષીય સગીર દીકરીના માથામાં લાકડાની પટ્ટી ફટકારી દીધી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી દીકરીને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. ઘટના અંગે સગીરાની માતાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, મોરબીના શનાળા પોલીસ ચોકી નજીક આવેલા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ (એલ-૫૪૦)માં રહેતા ગીતાબેને તેમના પતિ અરવિંદભાઈ જેરામભાઈ સાવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૧૭/૦૬ની મોડી રાત્રે આરોપી અરવિંદભાઈ ઘરે આવ્યા બાદ જમવા બાબતે, પૈસાની માગણી કરીને તેમજ પત્ની પર ખોટા વહેમ-શંકા રાખીને ઝઘડો કરવા લાગ્યા હતા.
ઝઘડો વધતા આરોપીએ પરિવારને ઘરની બહાર નીકળી જવા કહ્યું હતું, જેથી પત્ની અને સંતાનો ઘરની બહાર નીકળી ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા અરવિંદભાઈ ઘરમાંથી લાકડાની પટ્ટી લઈને બહાર આવ્યા હતા અને પોતાની ૧૭ વર્ષની દીકરી પુરીબેનના માથામાં ફટકારી દીધી હતી.લોહીલુહાણ હાલતમાં સગીરાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેના માથાના ભાગે ચાર ટાંકા લેવા પડ્યા હતા.આ હિંસક બનાવ અંગે સગીરાની માતા ગીતાબેનની ફરિયાદના આધારે મોરબી પોલીસે આરોપી પિતા અરવિંદભાઈ સાવરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



