GUJARATKUTCHMUNDRA

માંડવીની NCC કેડેટ જિનલબા જાડેજા દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં કચ્છનું ગૌરવ વધારશે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માંડવીની NCC કેડેટ જિનલબા જાડેજા દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં કચ્છનું ગૌરવ વધારશે

 

મુંદરા,તા.23: કચ્છ જિલ્લાના માંડવી શહેર અને સમગ્ર પ્રદેશ માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની NCC કેડેટ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની પ્રજાસત્તાક દિન પરેડ (RDP) માટે કરવામાં આવી છે. આગામી 26 જાન્યુઆરીના રોજ દિલ્હીના ઐતિહાસિક ‘કર્તવ્ય પથ’ પર યોજાનારી ભવ્ય પરેડમાં તેઓ દેશભરના પસંદગી પામેલા શ્રેષ્ઠ NCC કેડેટ્સ સાથે કદમતાલ મિલાવશે.

દર વર્ષે પ્રજાસત્તાક દિને યોજાતી આ પ્રતિષ્ઠિત પરેડમાં સ્થાન મેળવવું એ અત્યંત ગૌરવની બાબત છે. ભારતભરના 17 NCC ડિરેક્ટોરેટ્સમાંથી કઠિન તાલીમ, શારીરિક ક્ષમતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને આધારે કડક પસંદગી પ્રક્રિયા દ્વારા માત્ર મર્યાદિત કેડેટ્સને જ આ તક મળે છે. જિનલબાની આ પસંદગી તેમના અથાક પરિશ્રમ, આત્મશિસ્ત અને દેશભક્તિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

નોંધનીય છે કે શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NCC કેડેટ્સ સતત છઠ્ઠા વર્ષે ‘રિપબ્લિક ડે કેમ્પ’ (RDC) માટે પસંદગી પામી રહ્યા છે. આ અવિરત સિદ્ધિ કોલેજની મજબૂત તાલીમ અને રાષ્ટ્રભક્તિની ઉજ્જવળ પરંપરાને જીવંત રાખે છે. આ વર્ષે પણ કોલેજના NCC વિભાગે રાષ્ટ્રીય ફલક પર કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જિનલબાની આ સફળતા પાછળ કોલેજના આચાર્ય તથા NCC લેફ્ટનન્ટ ડો. મહેશ બારડ, 36 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર વિકાસ પ્રભાકર તેમજ એડમ ઓફિસર સંદીપ ખવાસનું યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન રહેલું છે.

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માંડવી કોલેજ પરિવાર, સંસ્થાના મંત્રી ડો. જે.સી. પટેલ, પ્રમુખ આદિત્યભાઈ, નાની ખાખર રાજપૂત સમાજ અને સમગ્ર કચ્છમાંથી જિનલબાને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!