TANKARA:ટંકારા નગરપાલિકાનું પ્રથમ પ્રમુખ કોણ? રાજકીય વર્તુળોમાં ગરમાવો, અનેક નામો ચર્ચામાં





TANKARA:ટંકારા નગરપાલિકાનું પ્રથમ પ્રમુખ કોણ? રાજકીય વર્તુળોમાં ગરમાવો, અનેક નામો ચર્ચામાં

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે પ્રથમવાર યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે સૌની નજર પ્રમુખ પદની પસંદગી પર ટકેલી છે. ઓબીસી અનામત બેઠક હોવાને કારણે પાર્ટી માટે યોગ્ય અને સંતુલિત નેતૃત્વ પસંદ કરવાનું મહત્વ વધ્યું છે.

પ્રમુખ પદ માટે મહિલા અને પુરૂષ બંને વિકલ્પોમાંથી પસંદગી થવાની શક્યતા વચ્ચે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. મહિલા નેતૃત્વને પ્રાથમિકતા મળે તો યુવા અને શિક્ષિત ચહેરા તરીકે પાયલ કુકડિયાનું નામ આગળ છે. તેમની પસંદગી થાય તો રાજ્યમાં સૌથી યુવા પ્રમુખ બનવાનો ગૌરવ ટંકારા મેળવશે. બીજી તરફ મનિષાબેન દંતેસરીયા પણ મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે, જેમને ઠાકોર સમાજમાં વ્યાપક સમર્થન અને લાંબા સમયથી પક્ષ સાથે જોડાણનો લાભ મળી શકે છે.
પુરૂષ ઉમેદવારોમાં એડવોકેટ સિરાજ અબ્રાણીનું નામ ખાસ ચર્ચામાં છે. લઘુમતિ સમાજમાં તેમની મજબૂત પકડ, દાયકાઓથી ભાજપ સાથેનો સંકળાવો અને તાજેતરની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને પક્ષ તરફ આકર્ષવામાં તેમની ભૂમિકા તેમને આગળ ધપાવે છે. સંગઠન પ્રત્યેની વફાદારી અને મેદાની કાર્યશૈલી તેમને પ્રમુખ પદ માટે યોગ્ય દાવેદાર બનાવે છે.
સાથે સાથે પંકજ કારેલિયા પણ એક અનુભવી અને સામાજિક રીતે સક્રિય ચહેરા તરીકે ગણવામાં આવે છે. લુહાર-સુથાર સમાજમાં તેમનો પ્રભાવ અને સ્થાનિક સ્તરે વિકાસલક્ષી દૃષ્ટિકોણ તેમને સ્પર્ધામાં રાખે છે.
ખાસ બાબત એ છે કે ટંકારા ભાજપમાં આંતરિક ગઠબંધન કે જૂથબાજીનો અભાવ જોવા મળી રહ્યો છે. ચૂંટાયેલા સભ્યોમાં ‘પક્ષ જે નક્કી કરે તે સ્વીકાર્ય’ એવો સહમતિભાવ દેખાઈ રહ્યો છે, જે વિકાસમુખી રાજકારણ માટે સકારાત્મક સંકેત છે.
આવતા અઠવાડિયામાં નવા પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ની વિચારધારા સાથે ટંકારા નગરપાલિકાનું પ્રથમ નેતૃત્વ કોણ સંભાળશે તે પ્રશ્ન હવે ટોપ ઓફ ટાઉન બન્યો છે. રાજકીય અને સામાજિક સમીકરણોને જોતા નિર્ણય જે પણ આવશે, તે ટંકારા ના વિકાસ માટે દિશાનિર્ધારક સાબિત થશે.



