MORBI:મોરબી ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ
MORBI:મોરબી ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ
ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે છે. ઘણાં ખેડૂતો ધાણાં, જીરું, ઘઉં સહિતના પાકોનાં અવશેષ ખેતરમાં ઢગલા કરેલા હોય તો તેમને પણ બાળતા હોય છે. હવે મુળ મુદ્દા ઉપર આવીએ કે આ અવશેષો બાળવાનું કારણ શું છે ?
ખેડૂતો પાકનાં અવશેષો બાળે છે તેનાં મુખ્ય કારણો જોઈએ તો, એક જ જમીનમાં દર વર્ષે ૩ થી ૪ પાક ખેડૂતો લઈ રહ્યાં છે, તેથી તેમની પાસે પાકનાં અવશેષો, કાપી નાખવા અને સંગ્રહ કરવાનો સમય નથી. એક કરતાં વધારે પાકોનું વાવેતર થતું હોવાથી બંને પાકનાં વાવેતર વચ્ચે ઓછો સમયગાળો મળે છે. જેથી પાકનાં અવશેષોનું વિઘટન થતું નથી. આંતરખેડ વખતે અવશેષો નડતરરૂપ થાય છે જેવા કારણો જવાબદાર છે.
ખેતર ઉપર પાકનાં અવશેષોને બાળવાથી થતાં નુકસાનની વાત કરીએ તો, ખેતરમાં પાકનાં અવશેષોને બાળવાથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ઘણાં નકારાત્મક પરિણામો આવે છે. આ પ્રથા, જેને ‘પરાળી બાળવી’ અથવા ‘કૃષિ અવશેષોનું દહન’ પણ કહેવાય છે, આ પ્રથા ખેડૂતોમાં સામાન્ય રીતે પ્રચલીત છે.
પાકનાં અવશેષો બાળવાથી કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેન, અને અન્ય ઝેરી વાયુ જેવાં પ્રદૂષકો હવામાં ફેલાય છે. જેનાથી જેનાથી હવાની ગુણવત્તા બગડે છે અને ધુમ્મસની સમસ્યા વધે છે, જે શ્વસન સંબંધી રોગો જેમ કે અસ્થમા અને ફેફસાંના રોગોનું જોખમ વધારે છે.
અવશેષોને બાળવાથી જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થો (ઓર્ગેનીક કાર્બન) અને સૂક્ષ્મ જીવાણુંઓ નાશ પામે છે, જે જમીનની ફળદ્રુપતા માટે જરૂરી હોય છે. પરાળી (પાકના અવશેષો) બાળવાથી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવાં પોષકતત્વો પણ નષ્ટ થાય છે, જેના કારણે લાંબા ગાળે ખેતીની ઉત્પાદકતા ઘટે છે. પાકનાં અવશેષો બાળવાના કારણે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન વધારે છે, જે વૈશ્વિક તાપમાન વધારવા માટે જવાબદાર છે. તેનાથી કાર્બન સિંકની ક્ષમતા ઘટે છે, કારણ કે જમીનમાં કાર્બનિક પદાર્થોનું સંગ્રહ ઓછું થાય છે. પાકનાં અવશેષો સળગાવ્યા પછી, જમીનમાં ભેજનું સ્તર ઘટે છે, જે પાણીના અભાવ તરફ દોરી શકે છે અને જમીનની પાણીની રીટેન્શન ક્ષમતા ઘટાડે છે. આ ખેતી પર ખરાબ અસર કરે છે.
કૃષિ કચરામાંથી ખાતર બનાવી શકાય છે અને તેને ખાતરમાં રૂપાંતરિત કરી શકાય છે. આ પ્રક્રિયામાં લગભગ ૫-૬ મહિના લાગે છે. અંતિમ ખાતર પોષક તત્વોથી ભરપૂર હશે. વિવિધ સંશોધનોમાંથી એવું જોવા મળ્યું છે કે ખાતરમાં માટી કરતાં પાંચ ગણા વધુ પોષક તત્વો હોય છે.
વર્મીકમ્પોસ્ટિંગ એ પાકનાં કચરામાંથી અળસિયું ખાતરમાં રૂપાંતરિત કરવાની ઝડપી ખાતર પદ્ધતિ છે. તેમાં લગભગ 3 મહિનાનો સમય લાગે છે. કૃષિ કચરાને ફાયદાકારક ખાતરમાં રૂપાંતરિત કરવાના ફાયદા જોઈએ તો, તે સળગાવવાની પ્રથા બંધ કરશે, કાર્બનિક બાયોમાસ જમીનમાં પાછું આવે છે, રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે, માટીની ગુણવત્તા સુધારે છે, વિકસિત પાક ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ વધુ સારો છે. ભૂગર્ભ પાણીમાં રાસાયણિક લીચિંગની શક્યતા દૂર કરે છે, રોગોનો સામનો કરવા માટે પાકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.