MORBI:મોરબી કાળઝાળ ગરમીમાં નાના વેપારીઓ માટે ‘છત્રી’ બની રક્ષણહાર, કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયાની માનવતાવાદી પહેલ







MORBI:મોરબી કાળઝાળ ગરમીમાં નાના વેપારીઓ માટે ‘છત્રી’ બની રક્ષણહાર, કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયાની માનવતાવાદી પહેલ


મોરબી: હાલ રાજ્યભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે મોરબીમાં માનવતા મહેકી ઉઠી છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના જાગૃત કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા ધોમધખતા તાપમાં રસ્તા પર પરસેવો પાડીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓની વ્હારે આવી ‘છત્રી સેવા’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

તડકામાં શેકાતા શ્રમિકોને મળ્યો શીતળ છાંયડો વોર્ડ નં. 9 ના મુખ્ય વિસ્તારોમાં આખો દિવસ ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને શાકભાજી અને ફળ વેચતા લારીધારકોને ભારતીય જનતા પાર્ટીની મોટી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના કહેર વચ્ચે ધંધાના સ્થળે જઈને રૂબરૂ છત્રી મળતા શ્રમિકોના ચહેરા પર રાહતની લકીરો જોવા મળી હતી.
સેવાનો ભાવ: “નાના વેપારીઓની મહેનતને સલામ”આ પ્રસંગે ભગવતીબેન કુંડારીયાએ જણાવ્યું હતું કે:”જ્યારે પારો 43 ડિગ્રીને પાર કરી રહ્યો હોય, ત્યારે આપણા નાના વેપારી ભાઈ-બહેનો ખુલ્લા તડકામાં ઉભા રહી સખત મહેનત કરે છે. તેમની આ મહેનત અને હિંમતને સલામ છે. આ છત્રી તેમને આકરી ગરમીથી થોડું રક્ષણ આપશે. જનતાની સેવા કરવાનો આ મોકો મળ્યો તે અમારું સદભાગ્ય છે.”

છત્રી મેળવનાર લાભાર્થીઓએ ગદ્ગદિત થઈને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “આજે પહેલીવાર એવું લાગ્યું કે કોઈ અમારી પણ ચિંતા કરી રહ્યું છે. અત્યાર સુધી તડકામાં શેકાવું પડતું હતું, પણ હવે આ છાંયડામાં બેસીને ધંધો કરીશું તો થાક ઓછો લાગશે અને લૂ લાગવાની બીક નહીં રહે.”આ કાર્યક્રમથી સ્થાનિક વિસ્તારોમાં કોર્પોરેટરની આ સંવેદનશીલ કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.




