MORBI:મોરબી: રવાપર-ઘુનડા રોડનું કામ ‘ગોકળગતિએ’, ધૂળની ડમરીઓ અને કાંકરીઓથી વાહનચાલકો પરેશાન

MORBI:મોરબી: રવાપર-ઘુનડા રોડનું કામ ‘ગોકળગતિએ’, ધૂળની ડમરીઓ અને કાંકરીઓથી વાહનચાલકો પરેશાન
ચૂંટણી નજીક આવતા નેતાઓએ ઝભ્ભા સીવડાવ્યા, પણ રવાપર-ઘુનડા રોડની હાલાકી દૂર કરવામાં નિષ્ફળ!
મોરબી શહેરમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે રવાપર-ઘુનડા રોડની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અંદાજે ₹૫૫ કરોડના માતબર ખર્ચે બની રહેલા આ મહત્વના માર્ગની કામગીરી હાલ લગભગ થંભી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ન્યુ એરા સ્કૂલ પાસે પહોંચ્યા બાદ છેલ્લા ઘણા સમયથી કામ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. રસ્તા પર પાથરવામાં આવેલી કાંકરીઓ આખા માર્ગ પર ફેલાઈ ગઈ છે અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. આ અસ્તવ્યસ્ત રસ્તાને કારણે અકસ્માતની ભીતિ સતત વધી રહી છે. રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આ રસ્તો મોટી મુસીબત સમાન બની ગયો છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર મુદ્દે તંત્ર કે લોકપ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાને રાખીને અનેક નેતાઓ મત માંગવા માટે અત્યારથી જ સક્રિય થઈ ગયા છે, પરંતુ આ જનતાની પાયાની જરૂરિયાત સમાન રોડના કામ બાબતે તમામ નેતાઓએ મૌન સાધી લીધું છે. અધિકારીઓ પણ આ મામલે કશું બોલવા તૈયાર નથી.
હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા રવાપર-ઘુનડા રોડની કામગીરી ક્યારે પૂરઝડપે શરૂ કરવામાં આવે છે અને મોરબીવાસીઓને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળે છે. હાલ તો જનતા આ અસુવિધા મૂગા મોઢે સહન કરવા મજબૂર બની છે.










