MORBI:મોરબી વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજારની રોકડ સેરવી શખ્સ રફુચક્કર





MORBI:મોરબી વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજારની રોકડ સેરવી શખ્સ રફુચક્કર

મોરબી: રેલવે સ્ટેશન રોડ પર આવેલી પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી; પોલીસે ‘કાલિ સરદારજી’ વિરુદ્ધ ગુનો નોંધ્યો

શહેરમાં ગુનેગારો હવે વેપારીઓને વાતોમાં ભોળવી નજર ચૂકવી ચોરી કરવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો મોરબીના રેલવે સ્ટેશન રોડ પર સામે આવ્યો છે, જ્યાં એક ગઠિયો વેપારી પાસેથી ઠંડા પીણાની માંગણી કરી, તેમને વાતોમાં પરોવી ગલ્લામાંથી રૂ. ૩૦,૦૦૦ની રોકડ ચોરી કરી નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોરબીના નાની વાવડી રોડ પર પિતૃ આશીષ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી રેલવે સ્ટેશન રોડ પર ‘રાજુ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ’ નામની દુકાન ધરાવે છે. ગત રોજ જ્યારે તેઓ પોતાની દુકાને હતા, ત્યારે કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી (રહે. રણછોડનગર, મોરબી) નામનો શખ્સ ત્યાં આવ્યો હતો.
આરોપીએ શૈલેષભાઈ પાસે ઠંડા પીણાની બોટલ માંગી હતી. જેવી વેપારી બોટલ લેવા માટે ઉભા થયા અને તેમની નજર ફંટાઈ, તેનો લાભ ઉઠાવીને આરોપીએ દુકાનના કાઉન્ટર (થડા) ના ખાનામાં રાખેલા રોકડા રૂ. ૩૦,૦૦૦ સેરવી લીધા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોતાની નજર ચૂકવી ચોરી થઈ હોવાનું જણાતા શૈલેષભાઈ સોલંકીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.



