MORBI:મોરબીમાં તસ્કરીનો તરખાટ: ટીંબડી પાટીયા પાસે કારખાનાની દિવાલ ટપી ચાર તસ્કરો રૂ. ૧.૭૫ લાખના કેબલ વાયર ચોરી ફરાર







MORBI:મોરબીમાં તસ્કરીનો તરખાટ: ટીંબડી પાટીયા પાસે કારખાનાની દિવાલ ટપી ચાર તસ્કરો રૂ. ૧.૭૫ લાખના કેબલ વાયર ચોરી ફરાર


મોરબી પંથકમાં ચોરી અને તસ્કરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે મોરબીના ટીંબડી પાટીયા પાસે આવેલ એક કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે દિવાલ ટપીને આવેલા ચાર અજાણ્યા તસ્કરો કારખાનાના ગોડાઉનમાંથી આશરે રૂ. ૧,૭૫,૦૦૦ ની કિંમતનો કોપર અને એલ્યુમિનિયમનો કેબલ વાયર ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બરવાળા ગામના વતની યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (ઉં.વ. ૩૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યશભાઈના ભાગીદારીના કારખાનાના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રિના સમયે આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના ચાર અજાણ્યા ઇસમો કારખાનાની દિવાલ ટપીને અંદર પ્રવેશ્યા હતા. ગોડાઉનનો દરવાજો ખુલ્લો હોવાથી તસ્કરોએ ત્યાં ગુપ્ત અપપ્રવેશ કર્યો હતો.તસ્કરો ગોડાઉનમાં મશીનરીના કામમાં ઉપયોગમાં લેવાતો અને વાપરેલો કોપર તથા એલ્યુમિનિયમનો ફાઇબર કોટીંગવાળો કેબલ વાયર, જેનું વજન અંદાજે ૩૫૦ કિલો હતું, તેની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ચોરી થયેલા આ કેબલ વાયરની કુલ કિંમત રૂ. ૧,૭૫,૦૦૦/- આંકવામાં આવી છે.કારખાનાના માલિકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુન્હો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે કારખાના અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


