MORBI:મોરબી પ્રેમલગ્નનો કરુણ અંજામ, દીકરીએ મરજી વિરુદ્ધ લગ્ન કરતા પિતા-ભાઈ છરી સાથે યુવકના ઘરે ધસી આવ્યા, જાનથી મારી નાખવાની ધમકી







MORBI:મોરબી પ્રેમલગ્નનો કરુણ અંજામ, દીકરીએ મરજી વિરુદ્ધ લગ્ન કરતા પિતા-ભાઈ છરી સાથે યુવકના ઘરે ધસી આવ્યા, જાનથી મારી નાખવાની ધમકી


મોરબીના જાંબુડીયા ગામની સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો એક ચોંકાવનારો અને કરુણ કિસ્સો સામે આવ્યો છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી લેનારી દીકરી પર રોષે ભરાયેલા પિતા અને ભાઈ છરી જેવા ઘાતક હથિયાર સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા અને જાહેરમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલી ‘નીલકંઠ (સોરોના) સીરામીક ફેક્ટરી’ની લેબર કોલોનીમાં રહીને ખાનગી નોકરી કરતા ૨૩ વર્ષીય આરદીપભાઈ મુકેશભાઈ દાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની બાબુભાઈ કાળાભાઈ પરમારની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

આ પ્રેમલગ્ન દીકરીના પરિવારજનોને મંજૂર નહોતા. જેથી દીકરી અને જમાઈ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો.લેબર કોલોનીમાં ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ ગઈકાલે યુવતીના પિતા બાબુભાઈ કાળાભાઈ પરમાર અને તેનો ભાઈ ભરતભાઈ બાબુભાઈ પરમાર (બંને રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) છરી જેવા ઘાતક હથિયારો સાથે જાંબુડીયા ગામની સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં યુવકના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ ત્યાં આવીને ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાની જ દીકરીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાને પગલે ગભરાઈ ગયેલા યુવક આરદીપભાઈ દાણાએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પિતા-પુત્ર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.



