MORBI:મોરબી સબજેલમાંથી બે પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવતા ખળભળાટ




MORBI:મોરબી સબજેલમાંથી બે પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવતા ખળભળાટ

મોરબી સબજેલમાં રાત્રિ દરમિયાન કડક ચેકિંગ: મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ ફોન ઝડપાયા
મોરબી સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને એક મોટો ખુલાસો થયો છે. રાજકોટ ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (પ્રિઝન)ની સૂચનાથી જેલ પરિસરમાં હાથ ધરવામાં આવેલી અચાનક તપાસ દરમિયાન બે કીપેડ વાળા મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગઈકાલ તારીખ ૨૪ જૂનના રોજ સાંજે ૫.૩૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ અને તેમની રેઈડ ટીમ દ્વારા જેલના વિવિધ સર્કલ અને બેરેકોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ટીમની નજર ચૂકવીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા:
પ્રથમ મોબાઈલ: સર્કલ નંબર-૦૧૦૧માં આવેલા મંદિર પાસે લટકાવેલી એક થેલીમાંથી ‘HMD’ કંપનીનો કીપેડ ફોન મળ્યો હતો. બીજો મોબાઈલ: સર્કલ નંબર-૨૨ના બેરેક નંબર-૦૩૦૩ની લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગે વાયરિંગની વચ્ચે સંતાડેલો ‘સ્નેજીયન બોલ્ડ’ કંપનીનો કીપેડ ફોન મળી આવ્યો હતો.મોબાઈલ ફોન મળી આવ્યા બાદ બેરેક નંબર-૦૩૦૩માં બંધ કુલ ૪૨ કાચા કામના આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, આ ફોન કોનો છે તે અંગે કોઈએ પણ માલિકી સ્વીકારી ન હતી.જેલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પ્રતિબંધિત મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા? તેનો ઉપયોગ કોણ કરતું હતું? અને શું આ ફોન દ્વારા જેલની અંદરથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું કે કેમ? તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ કૌભાંડમાં કોઈ કેદી, જેલ કર્મચારી કે બહારની વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવશે.હાલમાં સુબેદાર કાનજીભાઈ સાંબડની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીએનએસ (BNS)ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


