GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શક્તિ ચોકમાં રહેણાંક અને ધાર્મિક વિસ્તારોમાંથી નોનવેજની લારીઓ-કતલખાના હટાવવા ઉગ્ર માંગ

MORBI:મોરબી શક્તિ ચોકમાં રહેણાંક અને ધાર્મિક વિસ્તારોમાંથી નોનવેજની લારીઓ-કતલખાના હટાવવા ઉગ્ર માંગ

 

મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારો, જાહેર માર્ગો અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલી રહેલી નોનવેજની લારીઓ તથા કતલખાનાઓને તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા એકસૂરે માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. રહેણાંક અને ધાર્મિક ક્ષેત્રોમાં આવી પ્રવૃત્તિઓના કારણે સામાજિક તણાવ કે ગેરસમજ ઊભી ન થાય અને શહેરમાં શાંતિ તથા ભાઈચારો જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવા જરૂરી છે.

નાગરિકોની મુખ્ય માંગણીઓ: શક્તિ ચોક વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ, દુકાનો અને લારીઓ પાસે જરૂરી લાઇસન્સ કે કાયદેસરની મંજૂરીઓ છે કે નહીં તેની પાલિકા દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે

લાઈસન્સકે પરમિશન વિના છૂપી રીતે ચાલતી અનિયમિત પ્રવૃત્તિઓ સામે કાયદેસરના પગલાં ભરી તેમને તાત્કાલિક બંધ કરાવવામાં આવે.

ધાર્મિક સ્થળોની આસપાસ લાગુ પડતા સરકારી નિયમો અને માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરાવવામાં આવે.

નિયમવિરુદ્ધ ચાલતી આવી પ્રવૃત્તિઓને રહેણાંક અને ધાર્મિક વિસ્તારોમાંથી દૂર કરી, નિયમોનુસાર અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ કોઈ સમાજ સાથે ઘર્ષણ ઊભું કરવાનો નથી, પરંતુ કાયદો-વ્યવસ્થા અને સામાજિક હિતોનું રક્ષણ કરવાનો છે. જો મહાનગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે, તો નાગરિકોને લોકશાહી અને કાયદાકીય રાહે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે.

Back to top button
error: Content is protected !!