MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરમાં આસ્થાનો અદભૂત નજારો: KGN ગ્રુપ તાજીયા કમિટી દ્વારા એક જ તાજીયામાં ત્રણ રોજા મુબારકને અપાયો આખરી ઓપ

 

WAKANER:વાંકાનેરમાં આસ્થાનો અદભૂત નજારો: KGN ગ્રુપ તાજીયા કમિટી દ્વારા એક જ તાજીયામાં ત્રણ રોજા મુબારકને અપાયો આખરી ઓપ

 

 

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પવિત્ર મોહરમ માસ નિમિત્તે KGN ગ્રુપ તાજીયા કમિટી (તાજીયા નંબર-6) દ્વારા એક જ તાજીયામાં હઝરત અલી હજરત અબ્બાસ, અને હઝરત ઇમામ હુસૈનના રોજા મુબારકની આબેહૂબ પ્રતિકૃતિઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મીપરાની યુવા ટીમ દ્વારા વર્ષ 2021થી દર વર્ષે વિવિધ ઇસ્લામિક સ્થાપત્યો, મસ્જિદો અને દરગાહ શરીફના રોજા મુબારકની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ અનોખી કલાત્મકતા અને ધાર્મિક ભાવના સાથે એક જ તાજીયામાં ત્રણ રોજા મુબારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તાજીયાના નિર્માણ કાર્યમાં ઝરી વર્ક, આકર્ષક રંગસજ્જા, લાઇટ ડેકોરેશન તેમજ નકશીકામ અને કોતરણીની વિશિષ્ટ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે થી ત્રણ મહિનાથી સતત ચાલી રહેલી આ કામગીરીને પ્રથમ ચાંદથી વધુ વેગ આપવામાં આવ્યો છે.

આ તાજીયાને આકાર આપવા માટે કમિટીના જાકીર હુસૈન, ફેજાનભાઈ, અકરમભાઈ, રિઝવાનભાઈ, બાબાભાઈ તરિયા, સબીરભાઈ સહિત અનેક યુવાનોએ દિવસ-રાત મહેનત કરી છે. યુવા ટીમે રાત્રિ ઉજાગરા કરીને તાજીયાની દરેક ડિઝાઇનમાં કલાત્મક ફિનિશિંગ આપવાની જહેમત ઉઠાવી છે.મોહરમ નું ધાર્મિક મહત્વ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો મોહરમ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને 10મી મોહરમ, જેને યૌમ-એ-આશુરા તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે કરબલાની ઐતિહાસિક ઘટનામાં હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારો દ્વારા સત્ય, ન્યાય અને માનવ મૂલ્યો માટે આપેલી શહાદતને યાદ કરવામાં આવે છે.મોહરમ માત્ર શોક અને સ્મરણનો સમય નથી, પરંતુ તે ત્યાગ, ધીરજ, માનવતા અને અન્યાય સામે અડીખમ રહેવાના સંદેશને પણ ઉજાગર કરે છે. તાજીયા, મજલિસ અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા લોકો કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.વાંકાનેરના લક્ષ્મીપરામાં યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ અનોખો તાજીયો માત્ર કલાત્મક કૃતિ જ નહીં, પરંતુ ધાર્મિક આસ્થા, સામૂહિક એકતા અને કરબલાના સંદેશને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ પણ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!