MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

 

WAKANER:વાંકાનેરમાં ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

 

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ વાંકાનેર પોલીસે લાલ આંખ કરી છે. વાંકાનેરની ગુલશનપાર્ક સોસાયટીમાં કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત કે માન્ય ડિગ્રી વિના એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતા એક નકલી ડોક્ટરને વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરની ગુલશનપાર્ક સોસાયટીમાં એક ઇસમ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ૧૧૨ જનરક્ષક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને મળી હતી. આ બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને સાંજના સમયે ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલા સંબંધિત મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસ અને મેડિકલ ટીમની તપાસ દરમિયાન આ સ્થળેથી તબીબી પ્રેક્ટિસ કરતા એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી. આ ઇસમ પોતાની ઓળખ ડો. જે.કે. પઠાણ તરીકે આપતો હતો, પરંતુ તેનું અસલી નામ જાકિરખાન બસીરખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસે તબીબી સારવાર માટેની કોઈ માન્ય શૈક્ષણિક લાયકાત નહોતી. તેમ છતાં તે દર્દીઓને હરસ, મસા, ભગંદર તેમજ ફિશરની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર આપતો હતો, તેમજ ગેરકાયદેસર રીતે દવાઓ અને ઇન્જેક્શન પણ આપતો હતો.

પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂપિયા ૩૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી જાકિરખાન બસીરખાન પઠાણ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય સંબંધિત ધારાઓ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!