MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર જૂની અદાવતમાં રિક્ષા ચાલક યુવાન પર કાર-બાઈક સવાર શખ્સોનો ઘાતક હુમલો, ૫ સામે ગુનો દાખલ

 

WAKANER:વાંકાનેર જૂની અદાવતમાં રિક્ષા ચાલક યુવાન પર કાર-બાઈક સવાર શખ્સોનો ઘાતક હુમલો, ૫ સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના હસનપર શક્તિપરા રોડ પર જૂની અદાવતનો ખાર રાખીને એક રિક્ષા ચાલક યુવાન પર કાર અને બાઈક સવાર શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. હુમલાખોરોએ રિક્ષાને સામેથી જાણીજોઈને કાર ભટકાવી રોડ નીચે ઉતારી દીધા બાદ, ધારીયા અને પાઈપ જેવા ઘાતક હથિયારો વડે યુવાનને બેરહેમીથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ વાંકાનેરના હસનપર (શક્તિપરા)ના વતની અને હાલ રાજકોટમાં ભાવનગર રોડ પર ગંજીવાડ વિસ્તારમાં રહીને રિક્ષા ચલાવતા ઇકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (ઉં.વ. ૩૨) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇકબાલભાઈને આરોપી ગોપાલભાઇ તથા શૈલેષભાઈ સાથે અગાઉ ઝગડો થયો હતો અને તે અંગે પોલીસ ફરિયાદ પણ થયેલી હતી. આ જ વાતનું મનદુઃખ અને ખાર રાખીને આરોપીઓએ આ ઘાતકી કાવતરું ઘડ્યું હતું.

ભોગ બનનાર યુવાન પોતાની રિક્ષા (નંબર- જીજે-૦૨-એક્સ-એક્સ-૬૩૧૧) લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ ફોર વ્હીલ કાર અને બાઈક લઈને ધસી આવ્યા હતા. આરોપીઓએ ઇકબાલભાઈને ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદે તેમની રિક્ષાને સામેથી જાણીજોઈને જોરદાર ઠોકર મારી હતી, જેના કારણે રિક્ષા રોડ નીચે ફંગોળાઈ ગઈ હતી.

રિક્ષા નીચે ખાબકતાં જ આરોપીઓએ ધારીયા અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે ઇકબાલભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન આરોપીઓએ જાહેરમાં ગાળો ભાંડી હતી અને ‘જો હવે દેખાયો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપીને નાસી છૂટ્યા હતા.

વાંકાનેર સીટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે નીચે મુજબના પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે:રાજુભાઈ હિતેશભાઈ રબારી (રહે. મોરબી) ગોપાલભાઈ રામજીભાઈ રબારી (રહે. મકનસર, તા.જી.મોરબી)શૈલેષભાઈ રામજીભાઈ રબારી (રહે. મકનસર, તા.જી. મોરબી) અન્ય બે અજાણ્યા શખ્સો (કાર અને બાઈક સવાર) વાંકાનેર સીટી પોલીસે આ મામલે રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!