WAKANER:વાંકાનેર રંગપર નજીક હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બોલેરો ચાલક ગંભીર રીતે ઘાયલ




WAKANER:વાંકાનેર રંગપર નજીક હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બોલેરો ચાલક ગંભીર રીતે ઘાયલ

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક નેશનલ હાઈવે પર બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. રોડની કામગીરી ચાલતી હોવાને કારણે એક તરફનો માર્ગ બંધ હોવાથી આ સામસામેનો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બોલેરો ચાલકને બંને પગમાં ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર રંગપર ગામ પાસે રસ્તાનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક વન-વે હોવાના કારણે વાહનો સામસામે આવી ગયા હતા. તે દરમિયાન ચોટીલા તાલુકાના નાળીયરી ગામે રહેતા ૨૭ વર્ષીય પ્રેમજીભાઈ મનુભાઈ મકવાણા પોતાની બોલેરો પીકઅપ (નંબર: જીજે-૧૩-એએક્સ-૮૭૫૪) માં બળતણના લાકડા ભરીને કાબરણ ગામેથી મોરબી તરફ જઈ રહ્યા હતા.પ્રેમજીભાઈ જ્યારે રંગપર ગામ નજીક પહોંચ્યા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રક (નંબર: જીજે-૧૪-એક્સ-૬૨૦૦) ના ચાલકે બોલેરો પીકઅપને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ચાલક પ્રેમજીભાઈને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે, તેમજ છાતીની પાંસળીઓ અને જમણા હાથમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ સારવાર હેઠળ રહેલા બોલેરો ચાલકની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા આરોપી ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


