WAKANER:વાંકાનેર મામલતદાર કચેરીમાંથી પ્રૌઢનું ફિલ્મી ઢબે અપહરણ: પ્રેમ લગ્નની અદાવતમાં કુહાડી અને પાઈપ વડે હિચકારો હુમલો







WAKANER:વાંકાનેર મામલતદાર કચેરીમાંથી પ્રૌઢનું ફિલ્મી ઢબે અપહરણ: પ્રેમ લગ્નની અદાવતમાં કુહાડી અને પાઈપ વડે હિચકારો હુમલો


વાંકાનેર તાલુકા મામલતદાર કચેરી ખાતે કાયદાકીય કામ અર્થે આવેલા એક પ્રૌઢનું ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરી, સીમમાં લઈ જઈ કુહાડીના હાથા અને લોખંડના પાઈપ વડે બેરહેમીપૂર્વક માર માર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નના મામલે ચાલી રહેલી અરજીની અદાવતમાં યુવતીના પિતા અને સગાંઓએ આ હિચકારો હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉં.વ. ૩૩) ના કાકાના દીકરાએ આરોપી કેશાભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપીઓને વહેમ હતો કે ફરિયાદી રૂપાભાઈએ જ આ પ્રેમીપંખીડાને ક્યાંક સંતાડી રાખ્યા છે. આ જ બાબતનો ખાર રાખીને આ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો.
જ્યારે ફરિયાદી રૂપાભાઈ વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતા, ત્યારે આરોપીઓએ ત્યાં ધસી આવી તેમને બળજબરીપૂર્વક પકડી લીધા હતા. ત્યારબાદ ફિલ્મી ઢબે તેમને પોતાની કારમાં બેસાડીને અપહરણ કરી દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા.
દીધલીયા ગામની સીમમાં લઈ જઈને તમામ આરોપીઓએ એકસંપ થઈ રૂપાભાઈ પર કુહાડીના હાથા, લોખંડના સળીયા, પાઈપ અને લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ફરિયાદીને શરીરના ભાગે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર માર્યા બાદ આરોપીઓ ફરિયાદીને કાશીપર ગામે લઈ ગયા હતા અને ધમકી આપી હતી કે, “જો આ બાબતે પોલીસ કેસ કરશો તો તમારા આખા પરિવારને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને બાઈક પર બેસાડી તેના ઘરે છોડીને નાસી છૂટ્યા હતા.
આ મામલે રૂપાભાઈએ કાશીપર ગામના જ રહેવાસી એવા નીચે મુજબના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે:કેશાભાઈ મનજીભાઇ લુંભાણી – વિપુલભાઈ કરશનભાઈ લુંભાણી – ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી – વિપુલભાઈની પત્ની – હંસાબેન કેશાભાઈ લુંભાણી – વાલજીભાઇ માવજીભાઈ લુંભાણી – કરશનભાઈ લુંભાણી વાંકાનેર સીટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધીને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




