MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર માં દેવદયા ખાતે છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો 

 

WAKANER:વાંકાનેર માં દેવદયા ખાતે છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો

વર્ષ 2001 માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો સામે આરોગ્યને લગતી ઘણી બધી મુશ્કેલીઓ હતી. આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે મૂળ વાંકાનેર ના અને યુકે માં સ્થાયી થયેલ ડો. રમણીકભાઇ મહેતા અને તેમના પત્ની ડો. ભાનુબેન મહેતા દ્વારા વર્ષ 2001 માં પૂર્વ રાજ્યસભા સાંસદ લલિતભાઈ મહેતા સાથે મળીને દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી. તેમનો મુખ્ય ઉદેશ્ય આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં લોકોની સુખાકારી માટેનો હતો. ટ્રસ્ટ દ્વારા 2001 માં દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર માં જનરલ હોસ્પિટલ ની સુવિધાઓ અને એન આર દોશી આંખની હોસ્પિટલમાં વર્ષ 2004 માં આંખના મોતિયા તથા ત્રાસી આંખના મફત ઓપરેશન ની સેવાની શરૂઆત કરવામાં આવી. મોરબી જિલ્લાનું એકમાત્ર ટ્રસ્ટ કે જે મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન કરે છે અને ગુજરાતના વેઢે ગણી શકાય તેવા ટ્રસ્ટોમાંનું એક ટ્રસ્ટ જે ત્રાસી આંખના વિનામૂલ્યે ઓપરેશન કરે છે.

ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી એ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં *છ કલાકમાં સૌથી વધુ ત્રાસી આંખના ઓપરેશન* કરી અને *ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ* માં રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી વર્ષ 2008 થી ત્રાસી આંખના દર્દીઓ માટે આશીર્વાદ સમાન કાર્ય કરી રહ્યા છે. અહીંયા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને દવાઓ પણ વિનામૂલયે આપવામાં આવે છે. એટલે કે દર્દીઓ પાસેથી એક રૂપિયો પણ ચાર્જ લીધા વગર ત્રાંસી આંખનું ઓપરેશન કરી આપવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં આવા ઓપરેશનનો ₹30,000 થી 40,000 જેવો એક આંખનો ચાર્જ લેવામાં આવે છે ત્યારે અહીંયા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં આવા ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી જેઓ અત્યાર સુધીમાં 14,000 જેટલા આંખના ઓપરેશન કરી ચૂક્યા છે અને દેશ તથા વિદેશમાં પણ જેમના જ્ઞાનના અખૂટ ભંડાર નો લાભ ઓપ્થલમોલોજિસ્ટ એટલે કે આંખના ડોક્ટરોને મળી રહ્યો છે ત્યારે વાંકાનેર નું દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ડોક્ટર જેઠાણી સાથે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે ગર્વ અનુભવે છે. આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી સાહેબની અથાગ મહેનત ની સાથે એનેસ્થેટિસ્ટ ડો હાર્દિક કાવર, ડો. પૂજા પરેચા, ડો જેઠાણીના મેનેજર મેક્સવેલ ક્રિશ્ચન અને દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના સ્ટાફના સહીયારા પ્રયત્નોથી એક નવો માઈલસ્ટોન ઊભો કરવામાં આવ્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિ શ્રી રિતેશભાઇ હર્ષદકુમાર ચાણપુરા આ સમગ્ર રેકોર્ડના જજ તરીકે આવેલ હતા અને તેમની દેખરેખ હેઠળ આ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ તકે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી સાહેબનો ખુબ ખુબ આભાર માને છે કે તેમણે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટની એન.આર દોશી આંખની હોસ્પિટલ પસંદ કરી. ટ્રસ્ટના ફાઉન્ડર ડો. ભાનુબેન મહેતા અને દેવેશભાઈ મહેતા તથા ટ્રસ્ટના હાલના પ્રમુખ રાજેશભાઈ કોઠારી અને બધા ટ્રસ્ટીઓ દ્વારા ડો. જેઠાણી ને આ અતુલ્ય સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!