WAKANER:વાંકાનેરના દેરાળા ગામે ચેકડેમમાં ડૂબી જતાં યુવકનું કરૂણ મોત

WAKANER:વાંકાનેરના દેરાળા ગામે ચેકડેમમાં ડૂબી જતાં યુવકનું કરૂણ મોત
વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં સીમમાં આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા મહેસાણા જિલ્લાના વિસનગરના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના બાલીપુરા ગામનો ૨૨ વર્ષીય યુવાન સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર કોઈ કામ અર્થે વાંકાનેરના દેરાળા ગામે આવ્યો હતો. ગઈકાલ તા. ૧૩/૦૭ના રોજ તે દેરાળા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં ન્હાવા માટે પડ્યો હતો. ન્હાતી વખતે અચાનક પાણીના વહેણ અને ઊંડાણમાં સરકી જતાં તે ડૂબવા લાગ્યો હતો અને જોતજોતામાં શ્વાસ રૂંધાઈ જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું હતું.સિદ્ધરાજ પાણીમાં ડૂબી જતાં તેનો મિત્ર અર્જુનભાઈ ઠાકોર તેને બચાવીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયો હતો. પરંતુ કમનસીબે, હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોત (અ.મોત)ની નોંધ કરી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આગળની તપાસ તેજ કરી છે. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.







