MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર વ્યાજની માયાજાળ: રાતાવીરડાના યુવકે જમીન, મકાન અને પત્નીના દાગીના ગુમાવ્યા; ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ

 

WAKANER વાંકાનેર વ્યાજની માયાજાળ: રાતાવીરડાના યુવકે જમીન, મકાન અને પત્નીના દાગીના ગુમાવ્યા; ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ડામવા માટે પોલીસ ગમે તેટલા કડક પગલાં ભરે, પરંતુ વ્યાજની માયાજાળમાં ફસાયેલા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામેથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને વ્યાજખોરોએ એવી ભીંસમાં લીધો કે તેણે પોતાની જમીન, મકાન અને પત્નીના સોનાના દાગીના સુધીનું તમામ સ્તરે ગુમાવવું પડ્યું છે. મૂળ રકમ કરતાં દસ ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો હજુ પણ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાકટરનો ધંધો કરતા પ્રવિણભાઇ હરખાભાઈ ઉકેડિયા (ઉ.વ.૨૬) એ આરોપી (૧) અજયભાઈ રમેશભાઈ અબાસણીયા (રહે. રતાવિરડા), (૨) બિજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા (રહે. લાકડધર, તા. વાંકાનેર) અને (૩) હિતેશભાઈ મગનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદી પ્રવિણભાઇને મજૂરોને ચૂકવણું કરવા તેમજ પોતાના ભાઈની સારવાર માટે નાણાંની તાતી જરૂરિયાત ઊભી થતાં તેમણે અલગ-અલગ સમયે આ વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા, જેના બદલામાં તેમણે ભારે કિંમત ચૂકવવી પડી છે.

પ્રવિણભાઇએ તેની પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦/- અલગ-અલગ સમયે ૩૦%, ૩૫% અને ૧૨૦% જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા. આરોપીએ વ્યાજ અને પેનલ્ટી ઉમેરી રૂ. ૮,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી. ફરિયાદીએ મૂળ રકમ લઈ લેવા વિનંતી કરતાં આરોપીએ ડોકે છરી અડાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ. ૫,૦૦,૦૦૦/- પડાવી લીધા હતા. ફરિયાદી અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. ૩૦,૦૦,૦૦૦/- અને મુદ્દલ રકમ ચૂકવી ચૂક્યા હોવા છતાં, આરોપીએ વ્યાજનું વ્યાજ ચડાવી હજુ પણ રૂ. ૩,૦૦,૦૦૦/- ની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ઘર વેચી દેવા ધમકી આપી છે.

તેની પાસેથી માસિક ૩૫% ના વ્યાજદરે રૂ. ૧,૫૦,૦૦૦/- લીધા હતા. આ રકમ સામે ફરિયાદીએ આશરે રૂ. ૫,૦૦,૦૦૦/- જેટલું વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધું હતું. તેમ છતાં વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ચડાવી હજુ રૂ. ૧,૨૦,૦૦૦/- ની માંગણી કરી ફરિયાદી અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ ડરાવી-ધમકાવીને ફરિયાદી પાસે રૂ. ૯૮,૬૮૧/- ની મોટરસાયકલ (GJ-36 BC-0783) હપ્તેથી લેવડાવી બળજબરીથી પડાવી લીધી હતી અને હજુ પણ રૂ. ૨૦,૦૦૦/- ની ઉઘરાણી માટે ધાક-ધમકી આપી રહ્યો છે.

ફરિયાદીના પત્નીના સાડા ત્રણ તોલા સોનાના દાગીના બેંકમાં ગીરો હતા. તે છોડાવવા માટે હિતેશભાઈએ શરૂઆતમાં વગર વ્યાજે રૂ. ૩,૫૬,૦૦૦/- નું ધિરાણ કર્યું હતું. દાગીના બેંકમાંથી છૂટતા જ આરોપીએ દાનત બગાડી હતી અને આ રૂપિયા પર વ્યાજ આપવું પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી પત્નીના સાડા ત્રણ તોલાના સોનાના દાગીના પડાવી લીધા હતા. આ ધિરાણ પર ઊંચું વ્યાજ ચડાવી તે હવે રૂ. ૮,૦૦,૦૦૦/- ની માંગણી કરી રહ્યો છે.

આ ત્રણેય આરોપીઓએ કોઈપણ પ્રકારના નાણાં ધીરધારના લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે ધિરાણ કરી, મધ્યમવર્ગીય યુવકને મિલકત અને ઘરેણાં વગરનો કરી દીધો હતો. અંતે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પ્રવિણભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!