WAKANER:વાંકાનેર-મોરબી હાઈવે: વઘાસિયા ટોલપ્લાઝા પર સ્થાનિક શખ્સોનો આતંક, ટોલ ટેક્સ ન ચૂકવી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી







WAKANER:વાંકાનેર-મોરબી હાઈવે: વઘાસિયા ટોલપ્લાઝા પર સ્થાનિક શખ્સોનો આતંક, ટોલ ટેક્સ ન ચૂકવી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી


વાંકાનેર-મોરબી હાઈવે પર આવેલા વઘાસિયા ટોલપ્લાઝા ખાતે ટોલ ટેક્સ ન ચૂકવવા અને ગાડીઓ રોકવા બાબતે સ્થાનિક શખ્સો દ્વારા ભારે હોબાળો મચાવી આતંક ફેલાવવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ટોલનાકા પર ક્રેટા અને સ્કોર્પિયો જેવી લક્ઝરી કાર લઈને આવેલા શખ્સોએ “અમારી ગાડીઓ અહીં ઊભી નહીં રાખવાની” તેમ કહી ટોલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિધિવત ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર એપાર્ટમેન્ટમાં રહીને વઘાસિયા ટોલનાકે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર યાદવ (ઉં.વ. ૩૭) એ આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે મુખ્ય આરોપીઓ જયરાજસિંહ ઝાલા તથા હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા (બંને રહે. વઘાસિયા, તા. વાંકાનેર) ઉપરાંત અન્ય ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જયરાજસિંહ ઝાલા પોતાની ક્રેટા કાર (રજીસ્ટર નંબર: GJ-36-AJ-2312) માં અન્ય બે અજાણ્યા માણસો સાથે વઘાસિયા ટોલનાકે આવ્યો હતો. તેણે ત્યાં ફરજ પરના કર્મચારીને “અમારી ગાડી અહીં ઊભી રાખવાની નહીં” તેમ કહીને વિવાદ શરૂ કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી કરી હતી.
ત્યારબાદ, હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા પણ અન્ય બે અજાણ્યા શખ્સો સાથે પોતાની સ્કોરપીયો કાર (રજીસ્ટર નંબર: GJ-08-BH-0007) લઈને ટોલબુથ પર ધસી આવ્યો હતો. આ તમામ શખ્સોએ ભેગા મળીને ટોલબુથના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી, બેફામ ગાળો આપી, શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓએ ટોલ ટેક્સ ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરી, ભારત સરકાર દ્વારા NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ને આપવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન G.S.R.838(E) ના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો.હાલમાં વાંકાનેર સીટી પોલીસે મેનેજર મુકેશકુમારની ફરિયાદના આધારે નામોદ્દિષ્ટ અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ અને આરોપીઓને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે.



