સાગબારાના પાનખલા ખાતે ૨૨૫ થી વધુ ખેડૂતોને માર્ગદર્શન મેળવ્યું
તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/06/2025 – નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. એચ. યુ. વ્યાસે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખરીફ પાકોની નવી જાતો, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ અને નિંદામણ નાશક અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
ઉપરાંત, કે.વી.કે.ની વૈજ્ઞાનિક ડો. મીનાક્ષી તિવારીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધનો જેમ કે, ફળમાખી ટ્રેપ અને નવીન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. વી. કે. પોશિયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી ખર્ચમાં થતી ઘટાડાની સંભાવનાઓ અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં પાનખલા, ચિત્રાકેવડી અને ઘનશેરા ગામના મળી કુલ ૨૨૫ જેટલા ખેડૂતોએ નોંધણી કરી હતી. જિલ્લા કૃષિ વિભાગ તથા અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહી, વિવિધ વિષયોની માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપી હતી.