ધ્રાંગધ્રાના કંકાવટીની ઝેડ. આર. મહેતા હાઇસ્કૂલમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો: 300થી વધુ વિદ્યાર્થીઓએ લીધા શપથ

તા.19/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી મુકામે આવેલી શ્રી ઝેડ. આર. મહેતા હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્ય સાથે એક સુંદર અને પ્રેરણાદાયી વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જેલર શ્રી એમ.એમ. દવેની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમિનારમાં શાળાના ૩૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી પ્રકાશભાઈ હડિયલ દ્વારા પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી શ્રી એમ.એમ. દવે તથા તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન દવેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી ભારતીબેન દવેએ પોતાના મધુર સ્વરમાં શિવસ્તુતિનું ગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આજના આધુનિક યુગમાં આજુ બાજુના વિસ્તારમાં ઝડપથી વધી રહેલા ડ્રગ્સ અને દારૂ જેવા દૂષણો સામે યુવાનોને જાગૃત કરતા શ્રી એમ.એમ. દવેએ અસરકારક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓના પરિવારમાં પણ કોઈ વડીલ વ્યસની હોય, તો વિદ્યાર્થીઓ પોતે જાગૃત બનીને તેમના સુધી વ્યસનમુક્તિનો સંદેશો પહોંચાડે અને પરિવારને બરબાદીથી બચાવે. શ્રી દવેની સરળ અને સ્પર્શી જાય તેવી વાતોથી આચાર્યશ્રી, સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભારે પ્રભાવિત થયા હતા.
કાર્યક્રમના અંતે શ્રીમતી ભારતીબેન દવે દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમૂહમાં વ્યસનથી સદા દૂર રહેવા તેમજ માતા- પિતા અને શિક્ષકોનો આદર કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આચાર્યશ્રીએ શ્રી દવેની આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને દર છ મહિને વિદ્યાર્થીઓને માનસિક રીતે ‘રિચાર્જ’ કરવા માટે શાળાની મુલાકાત લેવા ખાસ આમંત્રણ આપ્યું હતું. અંતમાં આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી એમ.એમ. દવે છેલ્લા બે વર્ષથી નિવૃત્તિ પછી પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં હજારો યુવાનોને સંબોધીને વ્યસન મુક્તિનો માર્ગ બતાવી ચૂક્યા છે અને આગામી સમયમાં લાખો યુવાનો સુધી પહોંચીને સમાજને વ્યસનમુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ ધરાવે છે.





