GUJARATKUTCHMANDAVI

કચ્છમાં ૭૦૦થી વધુ મહિલાઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઈઝેશન (F.P.O.) સાથે જોડાઈને ઘર બેઠા મેળવી રહી છે રોજગારી.

ભારત સરકારનો એફ.પી.ઓ પ્રોજેક્ટ મહિલાઓ માટે આર્શીવાદ બન્યો છે : ભૂમિકાબેન છાભૈયા, લાભાર્થી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માધાપર અને કોટડા ખાતે ‘ભુજ મહિલા માર્ટ’ ના માધ્યમથી મહિલાઓ વિવિધ ચીજ વસ્તુઓનું કરી રહી છે વેચાણ.

માંડવી,તા-૧૧ નવેમ્બર : રાજ્યમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ ગુજરાતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. પ્રથમ સરહદી જિલ્લા કચ્છમાં મહિલાઓ ખેડૂત ઉત્પાદક સંઘના(એફ.પી.ઓ) માધ્યમથી રોજગારી મેળવી રહી છે. કચ્છ જિલ્લામાં ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે જિલ્લાની ૭૦૦થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. ફરસાણ, મીઠાઈ વગેરે વસ્તુઓ ઘર બેઠા બનાવીને મહિલાઓ એફ.પી.ઓના માધ્યમથી રોજગારી મેળવી રહી છે. ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે સંકળાયેલા ભૂમિકાબેન છાભૈયા જણાવે છે કે, ભારત સરકારના એફ.પી.ઓ પ્રોજેક્ટ મહિલાઓ માટે આર્શીવાદ બન્યો છે. એફ.પી.ઓના રજિસ્ટ્રેશન બાદ મહિલાઓ આજે ફરસાણ, મીઠાઈ તેમજ અન્ય વસ્તુઓ બનાવીને સીધી જ ગ્રાહકોને વેચી રહી છે. ભુજના માધાપર અને કોટડા ખાતે ‘ભુજ મહિલા માર્ટ’ ખોલવામાં આવ્યો છે અને તેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મહિલાઓ દ્વારા નિર્મિત પ્રોડક્ટનું એમેઝોન, ઓએનડીસી અને અન્ય કોર્મિશયલ વેબ સાઈટ્સના માધ્યમથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સહયોગથી મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થઈ રહી છે. મહિલાઓ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ સીધા જ ગ્રાહકો સુધી પહોંચી છે જેનો નફો પણ મહિલાઓને જ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની ખેડૂત ઉત્પાદક સંઘમાં ભાગીદારી વધે તે હેતુથી દેશમાં ૧૦ હજારથી વધારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઈઝેશન(એફ.પી.ઓ) બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકાર મહિલાઓ દ્વારા સંચાલિત એફ.પી.ઓને ઈક્વિટીના માધ્યમથી આર્થિક મદદ કરે છે. મહિલાઓને આવક મળી રહે તે માટે વિવિધ વેચાણના પ્લેટફોર્મ જેવા એમેઝોન, ઓએનડીસી વગેરે કોમર્શિયલ વેબ સાઈટ્સમાં રજિસ્ટ્રેશન સહિતની જાણકારી સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. આમ, કેન્દ્ર સરકારનો એફ.પી.ઓ પ્રોજેક્ટ કચ્છમાં મહિલાઓને જીવનમાં ઉજાશ પાથરી રહ્યો છે. ગુજરાતમાં નાબાર્ડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ એફ.પી.ઓ.નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!