GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચોમાસા પહેલાં નવસારી તંત્ર એક્શનમાં: મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વિકાસ કામોની લીધી સ્થળ મુલાકાત

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી, તા. 30: ચોમાસાની ઋતુ નજીક આવતાં નવસારી શહેરમાં નાગરિકોને પાણી ભરાવા, પાણીની અછત કે અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને પ્રી-મોન્સૂન કામગીરીની વ્યાપક મેદાની સમીક્ષા કરવામાં આવી હતી.

કમિશનરશ્રીએ ખાસ કરીને શહેરના પાણી પુરવઠા સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઇટાળવા ખાતે GUDC દ્વારા નિર્માણાધીન નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ESR અને UG કન્સ્ટ્રક્શન વર્ક, તેમજ ઇટાળવા WTP થી કનાઈ ખાડી સુધીની વોટર વર્ક્સ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

આ ઉપરાંત હાંસાપોર લેક ESR લેન્ડ, હાંસાપોર–અંકોલ તળાવ અને ઇટાળવા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પણ રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન કમિશનરશ્રીએ તળાવ વિકાસ, અંડરગ્રાઉન્ડ સંપ (UG), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી હતી કે તમામ વિકાસ કામો ચોમાસું શરૂ થાય તે પહેલાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ વરસાદી માહોલમાં વિકાસ સાઈટોને નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવે.

કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે શહેરમાં સમગ્ર ચોમાસા દરમિયાન પાણી પુરવઠો નિયમિત અને સુદ્રઢ રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સાથે જ પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતાં તળાવો અને વિકાસ પામી રહેલા વિસ્તારોમાં ચોમાસા પૂર્વે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા માટે પણ આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.

નવસારી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ સક્રિય કામગીરીથી ચોમાસા દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહેવાની અને શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!